સુરત : ઉધના મગદલ્લા રોડ ગઈકાલે વહેલી સવારે સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાસે એક નબીરો કાર સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરતા પોલીસે સ્ટંટ કરતા બિલ્ડરના પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાર સ્ટંટ કરતો નબીરો : આ બાબતે વેસું પોલીસ સ્ટેશનના PI જે. જે. પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક કારચાલક વહેલી સવારે ખુલ્લો રોડ હોય તેનો લાભ લઇ સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ આ સ્ટંટના કારણે આજુબાજુના બિલ્ડીંગ અને એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા. તે વીડિઓ અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાસેનો હતો.
વાયરલ વિડીયો : આ અંગે તપાસ કરતા અમારી ટીમે આસપાસના CCTV ચેક કર્યા હતા. તે ગાડીનો નંબર મેળવી કારચાલક હેમંત ચૌહાણ છે, જેના પિતા બિલ્ડર છે. પોલીસે હેમંત ચૌહાણની ધરપકડ કરી હતી. જે કારથી તેણે સ્ટંટ કર્યા તે કાર ફોક્સવેગન હતી. આરોપી પોતે રાતે રોડ ખુલ્લા હોય એટલે સ્પીડમાં ગાડી ચલાવી શકાય, મોજ શોખ માટે રાતે ફરવા નીકળતો હતો.
આરોપીની ધરપકડ : આરોપી ગાડી સ્પીડમાં ચલાવી જોરદાર બ્રેક મારે એટલે ટાયરનો અવાજ આવતો, જેનાથી લોકો પણ ભયભીત થયા. આસપાસના લોકો જાગી જાય એમ આ રીતે આરોપીએ એક નહીં પરંતુ બેથી ત્રણ વખત કર્યું હતું. જે જોઈ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ તે ઉપરાંત તેના વિરોધમાં મોટર વ્હીકલ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.