સુરતઃ શહેરના સારોલી રોડ પર આવેલ કેન્સર હોસ્પિટલની સામે 2 રાઉન્ડ ફાયરિંગ અને મારામારીની ઘટના ઘટી હતી. ધોળા દિવસે ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ ઘટનાની કાયદાકીય તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી અલગ અલગ દિશામાંથી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત સારોલી રોડ પર પુના કુંભારિયા પાસે ભરત કેન્સર હોસ્પિટલની બહાર 2 યુવકો ઊભા હતા. અચાનક જ 1 કાર તેમની નજીક આવી ઊભી રહી હતી. કારમાંથી નીકળેલા લોકો દ્વારા યુવક ઉપર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ધોળા દિવસે કરાયેલી આ ફાયરિંગની ઘટનાને લીધે લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કેન્સર હોસ્પિટલની અંદર તમામ દર્દીઓ અને સ્વજનો પણ ભયભીત થઈ ગયા હતા. ફાયરિંગ અને હુમલા બાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે સત્વરે તપાસ શરૂ કરી હતી.
અંગત અદાવતમાં ફાયરિંગઃ ફરિયાદી દ્વારા આપવામાં આવેલ પોલીસ ફરિયાદના મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું માની રહી છે. જોકે ફાયરિંગના આવાજના કારણે નજીકના તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે 5 આરોપીઓમાંથી 2 આરોપીઓ કેન્સર હોસ્પિટલની અંદર આવી ગયા હતા. જ્યારે અન્ય આરોપીઓ પાર્કિંગના અન્ય ગેટમાંથી નાસી ગયા હતા. ઘટના સ્થળેથી પોલીસને 1 ખાલી કારતૂસ પણ મળી આવી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસઃ એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, ભરત કેન્સર હોસ્પિટલ નજીક આ ઘટના બની હતી. સીસીટીવીના આધારે અમે તપાસ શરૂ કરી છે. કેટલાક હુમલાખોરોએ યુવાન પર હુમલો કરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ સમગ્ર મામલે સીસીટીવીમાં કેદ થયેલ ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ અને શા માટે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.