અમરેલી: બાબરા તાલુકાના નાના એવા કીડી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્રએ GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવીને પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે અને સમગ્ર ગુજરાતમાં અમરેલીનું ગૌરવ વધાર્યુ છે.
અનિલ કેશુભાઈ ઝાપડિયા નામના આ યુવકે બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે. 2017થી તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને સાથે સાથે GPSCની ક્લાસ ટુ અધિકારીની પરીક્ષાની પણ તૈયારી કરતો હતો.
અસફળતા બાદ સફળતા: વર્ગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, નાયબ મામલતદાર વગેરે જેવી પરીક્ષામાં નિષ્ફળતા મળી હતી. જોકે, 2021માં GPSCની તૈયારી શરૂ કરી હતી અને 2021માં યોજાયેલી GPSCની પરીક્ષામાં પ્રથમ જ પ્રયાસે સફળતા મેળવી હતી અને ગુજરાત ભરમાં અનિલ ઝાપડિયાએ બીજો ક્રમ મેળવ્યો.
અનિલની ઈચ્છા: અનિલે GPSCની ક્લાસ ટુ અધિકારીની પરીક્ષા પાસ કરીને સમગ્ર પંથકમાં પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે. તેણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં આઈસીટી ઓફિસર વર્ગ-૨ તરીકે પસંદગી મેળવી છે, હવે આગળ તેઓનું લક્ષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં સહાયક નિયામક આઈટીઆઈ વર્ગ એક બનવાનું છે.
અનિલને હવે દેશ અને સમાજના હિત માટે સમર્પિત અને સાચી નીતિમત્તાથી તેની કામ કરવાની ઈચ્છા છે. અનિલ ઝાપડિયાના પિતા કેશુભાઈ ઝાપડિયા માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેમની પાસે પાંચ વીઘા જમીન છે, આ પાંચ વીઘામા તેમણે કપાસનું વાવેતર કર્યું છે અને આજ તેમની આજીવિકાનું સાધન છે. ત્યારે પુત્રની ઝળહળતી સફળતાએ તેમને ખુશીના શીખર પર બીરાજમાન કરી દીધા છે. બીજી તરફ અનિલ પોતાની આ સફળતાને તેમના માતા-પિતા પત્ની, ભાઈ, બહેન અને તેમના બનેવીને સમર્પિત કરે છે.
આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈપણ પરીક્ષા પાસ કરવીએ ખુબ જટીલ અને મહેનત માંગી લેતી પ્રક્રિયા બની ગઈ છે. ધારી સફળતા ન મળતા ઘણા વિદ્યાર્થી ર્થીઓ નાસીપાસ થઈને અનિચ્છનીય પગલા પણ ભરી લેતા હોય છે. ત્યારે અનિલે પણ ઘણી અસફળતાનો સામનો કરીને સખત પરીશ્રમ કરીને સફળતાનો સ્વાદ ચાખ્યો છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.