બનાસકાંઠા: સરકાર દ્વારા નવા પરિપત્રમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં હવે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે, ત્યારે પાલનપુરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ આદિજાતિ કમિશનર કચેરી ખાતે દેખાવો કર્યો હતો.
આદિજાતિ કમિશનર કચેરીમાં નકલી ચલણી નોટો ઉછાળી વિરોધ
બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા તેને ચાલુ કરવાની માંગ સાથે આદિજાતિ કમિશનર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ આદિજાતિ કમિશનર કચેરીમાં જ નકલી ચલણી નોટો ઉછાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના સરકાર પર પ્રહાર
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ વર્ષ 2010 થી અમલમાં લાવવામાં આવી હતી. જે નવા પરિપત્રમાં બંધ કરી દેવામાં આવી છે. આ શિષ્યવૃતિમાં 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવતી હતી. પરંતુ આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે, અને મોંઘી દાટ ફી ના ભરી શકતા તેઓ શિક્ષણ છોડી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક ભાવી ખરાબ થતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાલનપુરમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને આદિજાતિ કમિશનર કચેરી ખાતે પહોંચીને આ મામલે રજૂઆત કરી હતી.
માંગ સ્વીકારવામાં નહીં આવે તો કચેરીને તાળા મારવાની ચિમકી
યુવરાજસિંહ જાડેજા એ કહ્યું કે ગુજરાતમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા 50 થી 60 હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવી જોખમાઈ રહ્યું છે, અને બનાસકાંઠામાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભાવી શિષ્યવૃત્તિ ન મળવાના કારણે ખરાબ થઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે, અને આગામી દિવસોમાં જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કચેરીને તાળા મારવા માટે પણ મજબૂર થવું પડશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે આદિજાતિના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કરતા મદદનીશ આદિજાતિ કમિશનર કચેરી પહોંચ્યા હતા. જોકે કચેરીમાં રજૂઆત દરમિયાન અધિકારી ઉપર નકલી ચલણી નોટો ઉછાળીને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અનુસૂચિત જનજાતી સમાજના વિદ્યાર્થીઓમાં આક્રોશ: NSUIના ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, 28 ઓક્ટોબર 2024ના રોજ સરકાર દ્વારા પરિપત્ર કરીને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, જે વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમિશન મેળવ્યા હતા તેમને ફી માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે અને જે લોકો ફી ભરવામાં સક્ષમ નથી તેઓ અભ્યાસ છોડીને ઘરે બેસવા માટે મજબૂર બન્યા છે. આ અંગે ગુજરાત ભરમાં વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ કે સમસ્યાઓ સાંભળવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બનાસકાંઠામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.