ભાવનગર: ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સફોકેસન થયું હતું. જેને પગલે બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 થી વધુ વિદ્યાર્થીઓને અસર થઈ હતી. પરંતુ શાળા દ્વારા માત્ર બે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે બનાવ બાદ અધિકારીઓ એક પછી એક શાળાની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ આખરે ઘટના કેમ ઘટી તે પ્રશ્ન છે.
સવારે શાળામાં લાઈટ ગુલ થઈ: ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતાના વર્ગખંડમાં હતી. આ દરમિયાન 9.30 કલાકની આસપાસ વીજળી ગુલ થઈ ગઈ અને થોડા સમયમાં જ વિદ્યાર્થીઓને વીજળી નહિ હોવાને કારણે સફોકેશનની સમસ્યા સતાવા લાગી. જો કે શાળાના સંચાલક જીગ્નેશ ગાબાણીએ જણાવ્યું હતું કે સવારથી લાઈટ નહિ હોવાને કારણે વિદ્યાર્થીઓને સફોકેશન થયું હતું. જેમાં બે વિદ્યાર્થીનીઓ બેભાન થઈ જતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે આ બે વિદ્યાર્થીનીઓની સ્થિતિ હાલમાં સામાન્ય છે.
વિદ્યાર્થીઓને ગૂંગળામણનું કારણ શું: સરદાર પટેલ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓને સફોકેશન થવાને કારણે બેભાન જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જેથી બેભાન હાલતે 108 મારફતે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે શાળાના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે સવારથી વીજળી નહિ હોવાને કારણે પંખા પણ બંધ હતા. જેથી 2 થી વધુ જેટલા વિદ્યાર્થીનીઓને સફોકેશન થયું હતું. પરંતુ જે બે વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ તેમને હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ શાળાની મુલાકાતે પહોંચ્યા છે અને વર્ગખંડમાં 19 જેટલી વિદ્યાર્થીનીઓ હતી, જે પૈકી બે વિદ્યાર્થીઓને સફોકેશન થતા હોસ્પિટલ ખસેડાય છે. જો કે હાલ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
શાળાની બેદરકારી કે આંખ આડા કાન: સરદાર પટેલ શાળામાં સવારે શાળાના પ્રારંભ થયા બાદ જે રીતે વીજળી ગુલ થઈ અને સફોકેશનની ઘટના ઘટી છે, ત્યારે વીજળી નહી હોવાને કારણે પંખા પણ ચાલતા નથી. આવી પરિસ્થિતિમાં સફોકેશન થવાની શક્યતાઓ વધી જાય છે. 9.30 થી લઈને 12 કલાક સુધી લાઈટ ન હોવા છતાં પણ શાળામાં વર્ગખંડ કઈ રીતે ચાલુ રાખવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન છે. હાલ ચોમાસાની સિઝન હોઈને ઉકળાટ ચરમસીમાએ રહેતો હોય છે.