ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસીસ્ટન, વર્ક આસીસ્ટન, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. પરિણામે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવનાં માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓએ કરી છે.
ગૂગલ ટ્રાન્સલેશનથી અર્થનો અનર્થ: પરીક્ષાનું સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.
નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક: બીજી મુશ્કેલી એ પણ છે કે, એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે. કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી. તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CBRT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ.
ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા: ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવાની માંગણી વિદ્યાર્થીઓએ જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે ?
સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક: CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે. જેથી ઉમેદવારને સમયનું નુકશાન થાય જ છે. તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોઈ છે. દરેક ઉમેદવારનું માનવું છે કે, સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસર હોઈ શકે છે. ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે.
ઓફોલાઈન મોડથી પરીક્ષાનું આયોજન: આ મુદ્દે જણાવતા વિધ્યાર્થી નેતાએ વધુમાં કહ્યું કે, જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ? આ આવેદનનાં માધ્યમથી દરેક વિદ્યાર્થી વતિ વિનંતી કરીએ છીએ કે આ CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે. આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે "મહેનતુ વિદ્યાર્થી" બન્યા છે. દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફોલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓએ કરી છે.