ગાંધીનગર : ગુજરાત લોકસભા ચૂંટણીની સાથે યોજાયેલી પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ચૂંટણી ચિન્હ પર જીતેલા પાંચેય ધારાસભ્યોએ આજે શપથ લીધા હતા. આ તકે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના વિકાસને અગ્રીમતા આપવાનો હૂંકાર કર્યો હતો.
ગુજરાત અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે મળીને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને વૈશ્વિક પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરતા અર્જુન મોઢવાડિયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ આ વાતચીતના ખાસ અંશ...
ETV Bharat : રેકોર્ડ બ્રેક મતથી તમારો વિજય થયો, પોરબંદરમાં કયા વિકાસકાર્યોને પ્રાથમિકતા આપશો ?
અર્જુન મોઢવાડિયા : પોરબંદરની જનતાએ મને એક લાખ 17 હજારની લીડથી જીતાડ્યો છે. પોરબંદરના સાંસદ ઉમેદવાર ડો. મનસુખ માંડવીયાને પણ અમારા વિધાનસભા વિસ્તારમાંથી 1.85 હજારની લીડ મળી છે. અમે બંને લોક પ્રતિનિધિઓ જંગી મતથી જીત્યા હોવાથી સ્વાભાવિક છે લોકોની અપેક્ષા અમારી પર વધુ છે. આ અપેક્ષા પર ખરા ઉતરવા માટે અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું.
પોરબંદર પાસે ખૂબ મોટી ક્ષમતાઓ છે. પોરબંદર વિશ્વવિભૂતિ મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. કૃષ્ણભક્ત સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ છે. પોરબંદર પાસે વિશાળ દરિયાકિનારો છે. માધવરાયજીનું મંદિર છે. હર્ષદ માતાજીનું મંદિર છે. બરડામાં સિંહ સફારી બનવા જઈ રહી છે. પક્ષી અભ્યારણ પણ છે. પોરબંદરમાં પ્રવાસન માટે પુરી ક્ષમતાઓ છે. આ ક્ષમતાનો વિકાસ કરી તેને મોદી ટચ આપવામાં આવશે.
અમદાવાદના સાબરમતી આશ્રમનો 1200 કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. સરદાર સાહેબનું વૈશ્વિક મેમોરિયલ બનાવીને કેવડીયાને પ્રવાસન ધામ બનાવ્યું છે. દ્વારકા અને સોમનાથ તેનો સૌથી મોટો દાખલો છે. અંબાજી માતાજીનું મંદિર પણ તેનો દાખલો છે. જલિયાવાલા બાગ મેમોરિયલ આસપાસના વિસ્તારનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર, વારાણસી કોરિડોર, અયોધ્યામાં રામ મંદિરનો વિકાસ થયો છે. ત્યાંની ઇકોનોમી બદલાઈ અને લોકોનું જીવન ધોરણ બદલાયું છે.
તેથી હું અને મનસુખભાઈ બંને પોરબંદરને મોદી ટચ આપીને તેનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ. પોરબંદરમાં ગાંધી કોરિડોર બનાવવામાં આવશે. પોરબંદરને વિશ્વકક્ષાની પ્રવાસન ગામ બનાવવામાં આવશે. હાલમાં જે માઇગ્રેશન થઈ રહ્યું છે તે રિવરસાઇગ્રેશન થશે.
ETV Bharat : પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થયો છે, તમારો પણ ગુજરાત મંત્રીમંડળમાં સમાવેશ થાય તો કેવા વિકાસકાર્યોને પ્રાથમિકતા આપશો ?
અર્જુન મોઢવાડિયા : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર બની છે. ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં 156 સીટ સાથે મજબૂત સરકાર કાર્ય કરી રહી છે. બંને સરકાર મક્કમ અને મજબૂત છે. મારી ભૂમિકા હાલમાં ધારાસભ્યની છે, જે હું બજાવી રહ્યો છું. મને સોંપવામાં આવેલ કામગીરી હું આગળ વધારીશ.
ETV Bharat : અર્જુન મોઢવાડિયાએ માછીમારોના પ્રશ્નો હંમેશા ઉઠાવ્યા છે. ગુજરાતના માછીમારોની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવે છે, તેમને યાતનાઓ આપવામાં આવે છે. માછીમારોનો જલ્દી છુટકારો થાય તે માટે કેવા પ્રયાસો કર્યા છે ?
અર્જુન મોઢવાડિયા : પાકિસ્તાનની જેલોમાં પકડાયેલા ગુજરાતના માછીમારોને જલ્દીથી છુટકારો થાય તે માટે હંમેશા અમે પ્રયત્ન કર્યા છે. પરંતુ ગુજરાતના માછીમારોએ પાકિસ્તાનની જળસીમામાં જવું જ ન પડે તે પ્રકારની ટ્રેનીંગ માછીમારોને આપવામાં આવશે. અમે ડીપ સી ફીશીંગ યોજના તૈયાર કરીશું. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં આખી ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝને અપગ્રેડ કરવામાં આવશે. તેના દ્વારા માછીમારોના જીવનમાં બદલાવ લાવવામાં આવશે.
વિપક્ષના અવાજ સત્તામાં કેવો ગાજશે ? કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા તરીકે હંમેશા સરકાર પર આકરા પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયા કમળના નિશાન પર ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા છે. તેઓનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હંમેશા વિપક્ષનો મજબૂત અવાજ રહેલા અર્જુન મોઢવાડિયા સરકાર પક્ષમાં જનતાની કેવી સેવા કરે તેની પર સમગ્ર રાજ્યની મીટ મંડાયેલી છે.