અમદાવાદ: આગામી 26મી નવેમ્બરના રોજ મુંબઈમાં રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતના 66 તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે હર્ષ ફુલતરીયા નામના વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગરની શ્રીમતી આર.એન.પટેલ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હર્ષ આ સેમિનારમાં દેશભરમાંથી આવતા અન્ય બાળકોની વચ્ચે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
કેવી રીતે કરાઈ વિદ્યાર્થીની પસંદગી?
આ વર્ષે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાના વિજ્ઞાન સેમિનારનું આજે આયોજન કરાયું હતું. જેમાં 'કૃત્રિમ બુદ્ધિ (AI): સંભાવનાઓ અને ચિંતાઓ' વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન સેમિનારમાં 33 જિલ્લામાંથી 687 શાળાના 1173 વિદ્યાર્થીઓમાંથી જિલ્લા મુજબ ટોચના બે વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી અને આ 66 વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ અમદાવાદમાં રાજ્ય કક્ષાના વિજ્ઞાન સેમિનારમાં હાજરી આપી હતી.
શું છે સેમિનારનો ઉદ્દેશ્ય?
આ સેમિનારનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓના મનમાં વિજ્ઞાનિક સંશોધન અને વિશ્લેષણાત્મક વિચારની ભાવના કેળવવાનો છે. વિજ્ઞાન સેમિનાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્પર્ધાત્મક ધોરણે યોજાય છે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓને અનુક્રમે 10 હજાર, 7500 અને 5000 રૂપિયાના રોકડ પુરસ્કાર પણ અપાય છે.
ધો.8થી 10ના વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગ લઈ શકે
ગુજરાતમાં આ પ્રકારે જીલ્લા અને રાજ્યકક્ષાના વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવા માટે ગુજકોસ્ટ નોડલ એજન્સી છે. આ સેમિનારમાં ધોરણ 8થી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સેમિનારમાં અંગ્રેજી, હિન્દી તથા અન્ય કોઈપણ માન્ય ભારતીય ભાષાઓનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો: