ભાવનગર : મુંબઈ સાથે ભાવનગર શહેરને જોડતી એક માત્ર ફ્લાઇટ ચાલી રહી છે. જોકે, મુંબઈની ફ્લાઇટમાં ચાલતા ધાંધિયાને લઈને મુસાફરોમાં રોષ ફેલાઈ ગયો છે. ભાવનગર એરપોર્ટ પરથી સાંજે ઉપડનાર સ્પાઇસ જેટની ભાવનગર-મુંબઈ ફ્લાઇટ અંતિમ ક્ષણે રદ કરવામાં આવી હતી, જેને પગલે મુસાફરોએ એરપોર્ટમાં પોતાનો બળાપો કાઢ્યો હતો.
ભાવનગર-મુંબઈ ફ્લાઇટ રદ : ભાવનગર એરપોર્ટ પરથી મુંબઈની એકમાત્ર ફ્લાઇટ ચાલે છે. ગતરોજ મુસાફરોને ભાવનગરથી સાંજના સમયે ઉપડતી ફ્લાઈટ પહેલા લેટ હોવાના મેસેજ મળ્યા હતા. જોકે, બોર્ડિંગ પાસ આપી દીધા બાદ ફ્લાઇટ રદ થવાનો મેસેજ મળતા મુસાફરોએ હોહાપો મચાવ્યો હતો.
85 મુસાફરો રઝળ્યા : રઝળી પડેલા મુસાફરો પૈકી હરેશભાઈ સુડાણીએ જણાવ્યું હતું કે, સાંજે 7.15 કલાકની ફ્લાઈટ આવવાની હતી, જે આવી નહીં. બોર્ડિંગ પાસ આપી દીધા બાદ કહેવામાં આવ્યું કે હવે ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે. જેના પગલે અમારે મુસાફરોને ક્યાં જવું તે હવે સમજાતું નથી.
સ્પાઇસ જેટના ધાંધિયા વચ્ચે દેકારો : ભાવનગર એરપોર્ટ પર રોજ સાંજે સાડા પાંચ કલાકની આસપાસ મુંબઈથી ફ્લાઇટ આવે છે. જોકે, આ ફ્લાઇટ છેલ્લા બે દિવસથી મોડી આવી રહી છે. એરપોર્ટના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 21 તારીખના રોજ ફ્લાઇટ આવ્યા બાદ મોડી રાત્રે 10.00 કલાકે ઉપડી હતી. જ્યારે આજે બીજા દિવસે પણ ફ્લાઇટ મોડી થતા 7:15 કલાક આવવાનો સમય મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ફ્લાઇટ રદ્દ થતાં 85 જેટલા મુસાફરોએ ભાવનગર એરપોર્ટ પર સ્પાઇસ જેટની ઓફિસે દેકારો મચાવ્યો હતો.