સાબરકાંઠા : હિંમતનગરના રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત દ્વારા આયોજિત રમતોમાં વિવિધ જિલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થયેલા મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોએ રાજ્ય કક્ષા માટે વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો.
સ્પેશિયલ ખેલ મહાકુંભ : હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે આયોજિત ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આવેલ ખેલાડીઓએ હાયર એબીલીટી અને લોવર એબીલીટી સહિત ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લીધો છે. જેમાં દોડ, જંપ, વિવિધ ફેક, બાસ્કેટબોલ, વોલીબોલ, બોચી સહિતની રમતોનું આયોજન કરવામાં આવે છે.
મનોદિવ્યાંગ ઉત્થાન માટે પ્રયાસ : આમ તો સમાજમાંથી તરછોડાયેલા મનોદિવ્યાંગ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે તે માટે ગુજરાત સરકાર કાર્યરત છે. આ ઉપરાંત આવા બાળકો પણ સારી રમતો રમીને કંઈ કરી શકે છે તે દર્શાવવા અને આ બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચાર દિવસીય ખેલ સ્પર્ધા : આમ તો સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અન્ય બાળકો માટે હોય છે. પરંતુ દિવ્યાંગ બાળકો માટે પણ સ્પેશિયલ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય રમતોત્સવમાં દરરોજ 1 હજારથી 1,200 જેટલા બાળકો ભાગ લે છે. ઉપરાંત વિવિધ રમતોમાં સારુ પ્રદર્શન પણ દર્શાવે છે. ગુજરાત સરકારના વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની શક્તિ બહાર લાવવા સ્પેશિયલ ઓલમ્પિકનું આયોજન કરી અલગ જ સંદેશો આપવામાં આવ્યો છે.