સુરત: 100 વર્ષ જૂના ડબગરવાડ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને લઈને પોલીસે અનોખી પહેલ કરી છે. પોલીસકર્મીઓ ખાખી વર્દી અને દંડાને બદલે સાદા ડ્રેસમાં પીપૂડા સાથે ફરી રહ્યા છે. આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ ચોરી અને છેડતીની ઘટનાઓને રોકવાનો છે.
પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો: લાલગેટ પોલીસે પતંગબજારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આગામી 11થી 13 જાન્યુઆરીએ ખરીદી માટે આવનારી ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બજારના પ્રવેશદ્વાર અને નિકાસદ્વાર પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. ઊંચી ઈમારતો પરથી દૂરબીન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર નજર રખાઈ રહી છે.
પોલીસકર્મીઓ ગ્રાહકના વેશમાં: લાલગેટ પોલીસ સ્ટેશનના PI એન.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, ગત વર્ષોમાં મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓને રોકવા માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મીઓ ગ્રાહકના વેશમાં બજારમાં ફરી રહ્યા છે અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી રહ્યા છે. કોઈ ચોર ભાગવાનો પ્રયાસ કરે તો વોકી ટોકી દ્વારા તાત્કાલિક માહિતી આપી, તેને પકડી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.



ધાબા પોઈન્ટ પર સતત નિરીક્ષણ: બજારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને ધાબા પોઈન્ટ પરથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોને સુરક્ષિત વાતાવરણમાં ખરીદી કરવાની સુવિધા પૂરી પાડવાનો છે.
આ પણ વાંચો: