જુનાગઢ: જુનાગઢ નજીક આવેલ નાના એવા શાપુર ગામની આજે પણ ઓળખ થાબડી પેંડા બની રહ્યા છે, પાછલા સાત દસકાથી જુનાગઢ જિલ્લાના એકમાત્ર શાપુર ગામમાં થાબડી પેંડા બનાવવાની શરૂઆત થઈ છે. જે આજે આધુનિક યુગમાં પણ 70 વર્ષ પૂર્વેની બનાવટ સાથેના થાબડી પેંડા સ્વાદના રસિકોની સાથે શુભ પ્રસંગોમાં અનિવાર્ય બની જાય છે 7 થી 10 રૂપિયા પ્રતિ કિલોએ શરૂ થયેલા થાબડી પેંડા આજે 450 થી 500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે.
સાત દશકાની થાબડી પેંડાની આ સફર બજાર ભાવોને લઈને ઊંચી જોવા મળે છે, પરંતુ સ્વાદના રસિકો થાબડી પેંડાને તેની બજાર કિંમત કરતા પણ એક ડગલું ઊંચું માનીને સોરઠની શાન સમા થાબડી પેંડાને હોશે હોશે આરોગે છે, થાબડી પેંડાના રસિકો અમેરિકા અને કેનેડા સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ છે.
શાપુર શાન થાબડી પેંડા
જુનાગઢ જિલ્લાનું નાનું એવું શાપુર ગામ આજે પણ થાબડી પેંડાને લઈને આટલું જ પ્રખ્યાત છે, આજથી સાત દશકા પૂર્વે નાના એવા શાપુર ગામમાં થાબડી પેંડા બનાવવાની શરૂઆત થઈ હતી. જે આજે સમગ્ર સોરઠ પંથકની સાથે અમેરિકા કેનેડા અને ભારતના રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં પણ થાબડી પેંડાના રસિકો આજે પણ જોવા મળે છે. સોરઠ વિસ્તારમાં સાત દશકા પૂર્વે મીઠાઈમાં થાબડીને સૌથી વધારે માન આપવામાં આવતું હતું.
થાબડી પેંડાની 7 દશકાની લાંબી સફર
કોઈ પણ શુભ પ્રસંગમાં થાબડી મિષ્ઠાન તરીકે ચોક્કસ જોવા મળે, થાબડી માંથી થાબડી પેંડા બનાવવાની શરૂઆત શાપુરમાં આજે 7 દશકાની લાંબી સફર પૂર્ણ કરીને સ્વાદની સોડમ અને બનાવટની એજ પદ્ધતિને આજે આગળ ધપાવીને સ્વાદના શોખીનો માટે થાબડી પેંડા અનિવાર્ય બની જાય છે. શુભ પ્રસંગો તેમજ રક્ષાબંધન અને પરિણામોના દિવસે થાબડી પેંડાની વિશેષ માંગ બજારમાં જોવા મળે છે. જે આજે તમામ મીઠાઈઓની વચ્ચે પણ થાબડી પેંડા પોતાનું સ્થાન ન માત્ર જમાવવામાં પરંતુ અન્ય મીઠાઈને ટક્કર આપવામાં અગ્રેસર રહી છે.
કેવી રીતે બને છે થાબડી પેંડા
થાબડી પેંડા અન્ય મીઠાઈ કરતા સૌથી લાંબો સમય માંગી લે છે, ત્રણ થી ચાર કલાકના સમયમાં થાબડી પેંડા તૈયાર થતા હોય છે. 30 થી 35 લીટર દૂધમાંથી સાતથી આઠ કિલો થાબડી પેંડા બને છે. જેમાં મીઠાશ માટે એકમાત્ર ખાંડને ઉમેરવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાબડી પેંડાની બનાવટ માટે કરવામાં આવતો નથી. ત્રણ ચાર કલાક સુધી સતત કોલસાની સગડી પર દૂધને ઉકાળીને દૂધને માવાનું સ્વરૂપ આપવામાં આવે છે, ત્યારબાદ આપોઆપ તેનો રંગ બ્રાઉન કલરનો થઈ જતો જોવા મળે છે. સતત ચાર કલાક સુધી સગડીમાં ઉકળતા દૂધને હલાવવાનું પણ આટલું જ મુશ્કેલ હોય છે. સગડીમાં જેમ જેમ દૂધ બળતું જાય તેમ તેમ તેમાંથી માવો બનતો જાય છે અને બે કલાક બાદ તેમાં ખાંડ નાખીને ફરીથી તેને ઉકાળવામાં આવે છે. ચાર કલાકની ભારે જહેમત બાદ દૂધ અને ખાંડ માંથી થાબડી પેંડા બને છે. પેંડા બન્યા બાદ તેના માવાને ચાર થી પાંચ કલાક સુધી ઠંડો પાડવામાં આવે છે, ત્યારબાદ તેને પેંડાનું સ્વરૂપ આપીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે.
8 થી 10 રૂપિયાનો બજાર ભાવ 450 થી 500 સુધી પહોંચ્યો
આજથી સાત દશકા પૂર્વે જ્યારે પ્રથમ વખત થાબડી પેંડા બનાવવાની શરૂઆત થઈ હતી, ત્યારે પ્રતિ એક કિલો થાબડી પેંડાનો બજાર ભાવ 8 થી 10 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવતો હતો. આ સમયે એક લીટર દૂધની કિંમત એક રૂપિયાથી લઈને બે રૂપિયા સુધીની હતી. આજે વર્તમાન સમયમાં પ્રતિ 1 લીટર દૂધ ૮૦ રૂપિયા થી લઈને 100 રૂપિયા લીટર મળી રહ્યું છે. જેને કારણે આજે પ્રતિ એક કિલો થાબડી પેંડા નો ભાવ 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવે છે. પ્રતિ એક લીટર દૂધની સામે 100 ગ્રામ ખાંડ મિલાવીને થાબડી પેંડા કોલસાની સગડી પર બનાવવામાં આવે છે જેને કારણે પેંડાનો સ્વાદ આજે પણ 70 વર્ષથી સતત જળ વાતો જોવા મળે છે આજે પ્રતિ દિવસે 8 થી 10 કિલો થાબડી પેંડા નું દૈનિક વેચાણ થઈ રહ્યું છે.