ગીર સોમનાથઃ સોમનાથ મંદિરના ઈતિહાસ સાથે હમીરજી ગોહિલનું નામ સદાય જોડાયેલું રહેશે. સોમનાથ મંદિરની રક્ષા કરવા માટે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહંમદ બેગડાના આક્રમણ સામે રણ મેદાનમાં જંગે ચડ્યા હતા. સોમનાથને બચાવવાના ધર્મયુદ્ધમાં હમીરજી ગોહિલ વૈશાખ મહિનાની નોમના દિવસે વીરગતિને પ્રાપ્ત થયા હતા. આજે તેમની પુણ્યતિથિ છે. આ નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હમીરજી ગોહિલની પ્રતિમાને નમન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
લાઠીના સૌથી નાના રાજકુમારઃ હમીરજી ગોહિલ લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હતા. જ્યારે મહંમદ બેગડા દ્વારા સોમનાથ મંદિરને ધ્વંશ કરવા માટે અને મહાદેવની જાહોજહાલીને લૂંટવા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે હમીરજી ગોહિલ પોતાના હજારો સૈન્ય સાથે સોમનાથની રક્ષા કરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને વેગડાજી ભીલનો પણ સાથ મળ્યો હતો. હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ નામના આ બે સપુતો સોમનાથ પહોંચીને મહંમદ બેગડાની સેના સામે સોમનાથ મંદિરની સાથે મહાદેવની રક્ષા કરવાના અડગ નિશ્ચય અને વીરતાની પ્રતીતિ આપતા યુદ્ધે ચડ્યા હતા.
વૈશાખ સુદ નોમઃ આ ભીષણ યુદ્ધમાં હમીરજી ગોહિલ વૈશાખ સુદ નોમ દિવસે વીરગતિ પામ્યા હતા. હમીરજી ગોહિલની વીરતા અને સોમનાથ પ્રત્યેના તેમના દ્રઢ નિશ્ચયને આજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ રૂપે યાદ કરીને હમીરજી ગોહિલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. હમિરજી ગોહિલ ઉપરાંત તેમની સાથે જે જે સૈનિકો યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.