જૂનાગઢ: આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તો માટે 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વપત્ર પૂજાની શરૂઆત થવા જઈ રહી છે. વર્ષ 2023માં ઓનલાઈન પૂજા થકી 3 લાખ લોકોએ ઘર બેઠા મહાદેવની પૂજાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો. જેને આ વર્ષે પણ શરૂ રાખવાની જાહેરાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય છે.
શ્રાવણ મહિનામાં ઓનલાઈન મહાદેવના કરો દર્શન: આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તો માટે એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર 25 રૂપિયામાં કોઈ પણ શિવભક્ત દેશના કોઈ પણ ખૂણેથી મહાદેવની ઓનલાઇન પૂજા રજીસ્ટર કરાવી શકે છે. શિવ ભક્તો દ્વારા રજીસ્ટર કરવામાં આવેલી ઓનલાઇન બિલ્વ પૂજા સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા મહાદેવને બિલ્વપત્રનો અભિષેક કરીને પૂર્ણ કરવામાં આવશે. મહાદેવ પર અભિષેક થયેલા બિલ્વપત્રની સાથે ભસ્મ અને રુદ્રાક્ષ ઓનલાઇન રજીસ્ટર કરાવનાર પ્રત્યેક શિવભક્તોએ આપેલા તેમના સરનામા પર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોસ્ટ મારફતે તેને ઘર બેઠા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગત વર્ષે મળી છે વિશેષ સફળતા: વર્ષ 2023માં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ઓનલાઇન બિલ્વ પૂજાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી 3 લાખ જેટલા શિવ ભક્તોએ ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવીને શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રજીસ્ટર માટે ક્યુ આર કોડ અને સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટ દ્વારા પણ શિવ ભક્તો પૂજા નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રાવણ માસમાં બિલ્વપત્રનો વિશેષ મહિમા: શિવ પુરાણમાં ઉલ્લેખ થયા મુજબ ત્રણ પત્રો વાળુ બિલ્વપત્ર ત્રણ જન્મના પાપો ના નાશ કરવા માટે શક્તિશાળી હોવાનો ઉલ્લેખ થયો છે. જેને કારણે મહાદેવ પર ત્રણ પર્ણવાળું એક બિલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપનો નાશ થતો હોય છે. તેને લઈને પણ અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવ ભક્તો મહાદેવ પર બિલ્વપત્રનો અભિષેક કરીને સોમનાથ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેની શરૂઆત 12 મી જુલાઈથી થઈ ચૂકી છે જે 3જી સપ્ટેમ્બર સુધી સતત જોવા મળશે.