સોમનાથ: સોમનાથ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર્સ દ્વારા બરુલા ગામના તળાવમાંથી માટી ચોરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે પંચાયત વિભાગના અધિક્ષક ઇજનેરની રજૂઆત અને સૂચના બાદ ખાણ ખનીજ વિભાગે નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને એક કરોડ 31 લાખનો દંડ ફટકારીને આકરી કાર્યવાહી કરી છે.
માટી ચોરીમાં NHAI ના કોન્ટ્રાક્ટરને એક કરોડ કરતા વધુનો દંડ
ભાવનગર દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં સોમનાથથી દ્વારકા તરફ બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર્સ દ્વારા સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના સરકારી તળાવમાંથી માટી ચોરી કરવાના કિસ્સામાં સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને 1 કરોડ 31 લાખનો દંડ ફટકારીને દંડની રકમ 30 દિવસમાં ભરપાઈ કરવાની સૂચના આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા જો નક્કી કરાયેલી સમય મર્યાદામાં ખાણ ખનીજ વિભાગે જે દંડ ફટકાર્યો છે તેની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની દિશામાં ખાણ ખનીજ વિભાગ આગળ વધશે.
56 હજાર મેટ્રિક ટન માટીની ચોરી
સુત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં આવેલા પંચાયત વિભાગ હસ્તકના તળાવમાંથી પાછલા વર્ષ દરમિયાન સોમનાથ કોડીનાર વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પુરાણ માટે અંદાજિત 56 હજાર મેટ્રિક ટન માટીની ગેરકાયદેસર ખોદકામ કરવાનો આરોપ કળથિયા એન્જિનિયરિંગ પર લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર દ્વારા પણ સમગ્ર મામલામાં યોગ્ય કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચનાઓ આપી હતી. ત્યારબાદ બે વખત ખાણ ખનીજ વિભાગે માટી ચોરીને લઈને સુનાવણી રાખી હતી પરંતુ કળથીયા એન્જિનિયરિંગના કોઈપણ પ્રતિનિધિ કે ઇજનેરો હાજર ન રહેતા અંતે ખાણ ખનીજ વિભાગ સોમનાથ દ્વારા આજે આકરી કાર્યવાહી કરી અને એક કરોડ 31 લાખનો દંડ ફટકાર્યો છે.