કચ્છ: ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા અસામાન્ય ઉતાર-ચડાવની અસર છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણ પર દેખાઈ રહી છે. પર્યાવરણને જાળવી રાખવા માટે મહત્તમ વૃક્ષો વાવવાં અનિવાર્ય બની ગયાં છે, ત્યારે કચ્છમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે.જિલ્લામાં અત્યાર સુધી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક તાલુકામાં વનવિભાગ દ્વારા નર્સરી કાર્યરત છે. જેમાં 7 મહિનામાં 21.55 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
10 તાલુકાની વનવિભાગની કચેરી દ્વારા રોપા વિતરણ: સૂકો રણપ્રદેશ કહેવાતો કચ્છ વિશાળ વિસ્તાર ધરાવે છે. કચ્છ અગાઉ વરસાદની અનિયમિતતાનો સામનો કરતો આવ્યો છે. ત્યારે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જંગલો સિવાય વૃક્ષોનું આવરણ વધારવા માટે સામાજિક વનીકરણ વિભાગ કચ્છના તમામ 10 તાલુકામાં નર્સરીમાંથી ટોકન દરે રોપા વિતરણનું કામ કરી રહ્યું છે.
વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા લોકોને અપીલ: સામાજિક વનીકરણ વિભાગના કર્મચારી કલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'એક પેડ મા કે નામ' ઝુંબેશ શરૂ કરી છે અને જે અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરી છે. જેથી વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે ત્યારે કચ્છમાં પણ લોકો મોટી માત્રામાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. ત્યારે લોકો વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા વૃક્ષારોપણ: વધુમાં વધુ વૃક્ષો વાવવાથી હવાની ગુણવત્તામાં પણ સુધારો થઇ રહ્યો છે. ત્યારે વૃક્ષો એટલું જ ઐાષધિય મહત્ત્વ પણ ધરાવે છે. આ ઉપરાંત જૈવ વિવિધતા ટકાવવા માટે પણ વૃક્ષો અગત્યની ભૂમિકા ભજવે છે. કચ્છને હરિયાળું બનાવવા માટે તેમજ ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા માટે કચ્છમાં વૃક્ષારોપણની અગત્યતા વધતી જઈ રહી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો, વિવિધ કંપનીઓ અને ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષ વાવવા ઈચ્છે છે અને વનવિભાગની નર્સરીમાંથી વૃક્ષોના રોપાઓ મેળવી રહ્યા છે.
ગત વર્ષે 32.20 લાખ રોપાઓનું વિતરણ: ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 32.20 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 21.55 લાખ રોપાઓનું વિતરણ થઇ ચૂક્યું છે. આગામી 5 મહિનામાં રોપા વિતરણનો આંકડો ગત વર્ષના આંકડાને પાર કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
વાવેતર બાદ કેટલા પ્રમાણમાં વૃક્ષો જીવંત: આ રોપાઓના વાવેતર અને ઉછેર બાદ કેટલા પ્રમાણમાં આ વૃક્ષો જીવંત છે. તે અંગે વનવિભાગના અધિકારી હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે, વનવિભાગ દ્વારા વિવિધ સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, નાગરિકો, ખેડૂતો તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને કચ્છના 10 તાલુકાની વિવિધ વનવિભાગની નર્સરીમાંથી રોપાઓનું વિતરણ કરવામાં આવા છે, પરંતુ રોપાઓ વાવ્યા બાદ કેટલા વૃક્ષો આજ દિન સુધી જીવંત છે. તેનો કોઈ મોનિટરીંગ કરવામાં આવતું ન હોવાથી આ માહિતી મેળવી શકાતી નથી. કારણ કે, લોકો પોતાની ઈચ્છા મુજબ જુદી જુદી જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરતા હોય છે. પરંતુ ઉચ્ચ સ્તરીય કચેરી દ્વારા રેન્ડમ પદ્ધતિથી મોનિટરીંગ કરવામાં આવતું હોય છે કે જેમણે મોટી માત્રામાં રોપાઓ મેળવ્યા હોય.
ખેડૂતો પણ લે છે સરકારી યોજનાનો લાભ: આ ઉપરાંત જે ખેડૂતોએ સરકારી યોજનાના લાભ થકી વૃક્ષો મેળવ્યા હોય તેમને સહાય ચૂકતે કરવા માટે મોનીટરીંગ કરવામાં આવતું હોય છે. જેની પ્રક્રિયા નવેમ્બર મહિનાના અંતમાં હાથ ધરાતી હોય છે. જેમાં ખેડૂતોએ વનવિભાગ પાસેથી મેળવેલ કુલ રોપાઓ વાવેતર બાદ 50 ટકા જેટલા જીવંત હોય તો જ ખેડૂતને સરકારી યોજના હેઠળ લાભ મળતો હોય છે.