પોરબંદર: જિલ્લાના રાણાવાવ વન વિભાગની રેંજમાં આવેલ મોકર બીટમાં આવેલ મોકર સાગરના લુશાળા પાળા વિસ્તારમાં ગત તરીખ 7 જાન્યુઆરી 2018નાં રોજ અબોલ કુંજ પક્ષીના શિકાર કરવાના ગુનામાં આરોપીઓને સજાઓ ફટકારવામાં આવી હતી. આ ગુનામાં જુમાભાઈ હારૂનભાઈ પટેલીયા, શબીરભાઈ હુશેનભાઈ લુચ્ચાણી હુશેન ઉર્ફે ડાડા હાસમભાઈ લુચ્ચાણી, હુશેનભાઈ હાસમભાઈ લુચ્ચાણી, અસગર નથુભાઈ લુચ્ચાણી તથા કાસમભાઈ ઓસમાણભાઈ લુચ્ચાણી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વાસ્તવિક ગુનો થઈ છે તે જગ્યાએ જઈ તપાસ કરતા છ શખ્સો કુંજ પક્ષીઓનો શિકાર કરતા હતા તેવી વિગતો મળી હતી.
આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી: વન વિભાગના સ્ટાફે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. બનાવ સ્થળેથી જુમા હારૂન પટેલીયા મૃત 16 કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયો હતો અને બાકીના પાંચ આરોપીઓ નાસી ગયા હતા. આથી પકડાયેલ આરોપી જુમાની સધન પુછપરછ કરતા તેણે અન્ય પાંચ આરોપીઓ નામ જણાવ્યા હતા. અને તે રીતે આરોપીઓ વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગના ઓફીસરે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ-2 (16), 9, 51 પર ફરીયાદ નોંધાવી હતી.
![ર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-08-2024/22141029_t.jpg)
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદ:
આ ગુનાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.રામએ કરી હતી. ફરિયાદ મુજબ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે કોર્ટે આરોપીઓને આરક્ષીત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અબોલ અને નિર્દોષ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું. પરિણામે આ તમામ છ આરોપીઓને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે વાત કરતાં જયેશભાઈ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે, 'અબોલ જીવના શિકાર કરનારા શખ્સો સામે આ પ્રકારની સજા દાખલા રૂપ સાબિત થશે, અને શિકારી શિકાર કરતા પહેલા સો વાર વિચાર કરશે.'