ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકો જીવતા ભુંજાઈ ગયા બાદ સરકાર હરકતમાં આવી છે. સમગ્ર પ્રકરણમાં વધુ માહિતી મેળવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. અને ટીમ દ્વારા તપાસને કડક પગલે કામ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ તપાસ દળ દ્વારા ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટને કબજે કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ડોક્યુમેન્ટનો અભ્યાસ કરવામાં આવશે. બાદમાં સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા આરોપીઓ વિરુદ્ધ લગતી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવશે તેવી સંભાવના છે. ઉપરાંત વધુ કેટલાક સરકારી અધિકારીઓના નામ સીટની તપાસમાં ખુલે તેવી પણ શક્યતા છે.
અન્ય મોટા સમાચાર સામે આવ્યા: રાજકોટ અગ્નિકાંડને લઈને અન્ય મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, આગની ઘટના બની તે દિવસે રાતે પોલીસે ગેમઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા. વર્ષ 2021થી લઈને અત્યાર સુધી ગેમઝોનના ફાઇલ સહિત દસ્તાવેજ સીટે કબજે કર્યા છે. દસ્તાવેજમાં અભ્યાસ કર્યા બાદ જે અધિકારીઓની સમગ્ર પ્રકરણમાં સંડોવણી છે, તે અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આગની ઘટના બાદ ગેમઝોનની મજૂરી આપનાર તમામ અધિકારીઓના ઘરે પોલીસ પહોંચી તાપસ કરી રહી છે.
અડધી રાતે કચેરી ખોલાવીને દસ્તાવેજ મેળવ્યા: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ અડધી રાતે માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા કચેરી ખોલાવીને દસ્તાવેજ મેળવ્યા હતા. કબજે કરેલા દસ્તાવેજમાં દર્શાવામાં આવેલ તમામ નોંધ સાથે સહિ કરનારા અધિકારીઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે એવી માહિતી ગૃહ મંત્રાલયમાંથી પ્રાપ્ત થઈ છે.
પરંતુ શું થશે એ જોવું રહ્યું: સરકારને હાઇકોર્ટમાંથી મળેલી ફટકાર વચ્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં શું તથ્ય નીકળે છે, તેની પર સમગ્ર રાજ્યની નજર છે. હવે જોવું એ રહ્યું કે, તપાસના નામે માત્ર સમય પસાર થશે કે કોઈ નક્કર પગલા ભરવામાં આવશે.