જુનાગઢ : જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ ધીમે ધીમે રાજકીય માહોલ પણ જોવા મળી રહ્યો છે. જુનાગઢ શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ચૂંટણી કાર્યાલય પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાંત પટેલે ખુલ્લું મૂક્યું હતું. આ તકે તેમણે મધ્યમાં સાથે વાત કર્યા વગર લોકસભા કાર્યાલયને ખુલ્લુ મૂકીને અહીંથી આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતાં.
જુનાગઢ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય : આગામી 7મી મેના દિવસે ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે આજે જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ચૂંટણી કાર્યાલય એસ ટી બસ સ્ટેશન નજીક લોકસભા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. જુનાગઢ ચૂંટણી પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. પરંતુ માધ્યમો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર તેઓ જુનાગઢ લોકસભા બેઠક પર નિર્ધારિત થયેલા અન્ય એક કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતાં.
કોંગ્રેસના પ્રચારમાં ધીમે ધીમે ગરમાવો : જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ દ્વારા સમગ્ર જૂનાગઢ લોકસભા બેઠક પર પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ જુનાગઢ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અને પ્રસાર માટે આવ્યા છે, તો આવતી કાલે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનીક પણ જુનાગઢ લોકસભા બેઠક પર પ્રચાર કરવા જઈ રહ્યા છે. બીજી તરફ સાંજના સમયે માણાવદર વિધાનસભામાં આવતા વંથલી મુકામે માણાવદર અને જુનાગઢ તેમજ પોરબંદર લોકસભાના ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં પણ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ હાજર રહીને કોંગ્રેસ પક્ષના જુનાગઢ અને પોરબંદર લોકસભા હીરાભાઈ જોટવા અને લલિત વસોયા તેમજ માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં પ્રચાર પડઘમ વેગવંતુ બનાવશે.