જૂનાગઢ : આજે શીતળા સાતમનો તહેવાર મનાવવા આવી રહ્યો છે. શ્રાવણ મહિનાની સુદ અને વદની બંને સાતમને શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં અતિ પ્રાચીન શીતળા કુંડ ખાતે આવેલ શીતળા માતાના મંદિરે સૌભાગ્યવતી સ્ત્રીઓએ દર્શન કરીને શીતળા સાતમના તહેવારની ઉજવણી કરી હતી.
શીતળા સાતમની ઉજવણી : આજના દિવસે સાધન પૂજા અને કર્મ પૂજા કરવાથી શીતળા માતા પ્રસન્ન થતા હોય છે, જે પ્રત્યેક પરિવારોના જીવનમાં ઉત્સાહ અને શાંતિ આપતા હોય છે. આજે વહેલી સવારે જૂનાગઢના અતિ પ્રાચીન શીતળા કુંડ ખાતે શીતળા માતાના મંદિરે મહિલાઓ તેમના બાળકોને દર્શન કરાવવા લાવે છે. સાથે કુલેર અને શ્રીફળ સાથે રાંધણ છઠના દિવસે રાંધેલો ઠંડો પ્રસાદ શીતળા માતાના ચરણોમાં અર્પણ કરીને શીતળા સાતમના તહેવારની ઉજવણી કરી રહી છે.
રાંધણ છઠ્ઠની માન્યતા : શીતળા સાતમનો તહેવાર સૌરાષ્ટ્રમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે કોઈ પણ ઘરમાં ગરમ ભોજન બનતું નથી. પ્રાચીન પરંપરા અનુસાર રાંધણ છઠના દિવસે સગડી ઠારી દીધા બાદ ગોકુળ આઠમના દિવસે રાત્રે 12:00 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયા બાદ સગડી કે ચૂલા પર ભગવાન માટે પહેલા પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારબાદ પરિવાર માટે ભોજન તૈયાર થાય છે.
શીતળા સાતમની પરંપરા : સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ શીતળા સાતમના દિવસે કોઈ પણ મહિલા ઘરમાં સાવરણી વડે કચરો સાફ કરતી નથી. શીતળા સાતમના દિવસે કપડાં ધોવાનું કે તેને ધોકાવવાનું પણ વર્જિત માનવામાં આવે છે. વધુમાં આજના દિવસે મશીન કે અન્ય સાધનોની મદદથી કપડાને સાંધવાનું પણ બંધ રાખવામાં આવે છે. આજે સમય બદલાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ મોટાભાગની મહિલાઓ આ તમામ પરંપરાઓનું ખૂબ જ નિષ્ઠાથી પાલન કરીને શીતળા સાતમનો તહેવાર પરિવાર સાથે મનાવતી હોય છે.
સૌરાષ્ટ્રમાં વર્ષમાં બે વાર ઉજવણી : વર્ષમાં બે દિવસ સૌરાષ્ટ્રમાં રાંધણ છઠ્ઠથી લઈને ગોકુળ આઠમ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી ઘરમાં ગરમ ભોજન બનતું નથી કે કોઈ પણ ગરમ ભોજન ગ્રહણ ન કરવાની પરંપરા છે. સૌરાષ્ટ્રમાં શીતળા સાતમની ઉજવણી પારંપરિક રીતે થતી જોવા મળે છે. આ પ્રકારના રીત-રીવાજ શીતળા માતા સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓમાં હોવાને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરા અનુસાર શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.