ડાકોર: ખેડા જીલ્લાના ડાકોરમાં આવેલા શનિદેવ મંદિરમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરવાની ઘટના સામે આવી હતી. મંદિરમાં શનિદેવની મૂર્તિ ખંડિત કરવા સાથે શનિદેવના આભૂષણો અને દાન પેટીમાંથી પૈસાની ચોરી કરવામાં આવી હતી. જેને લઈને ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો મંદિરે પહોંચ્યો હતો. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી સમગ્ર ઘટના બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મૂર્તિ ખંડીત કરી ચોરી કરી: ડાકોરના ઉમરેઠ રોડ પર આવેલા શનિદેવ મંદિરે વહેલી સવારે પૂજારી પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ મંદિરના વહીવટકર્તા તેમજ પોલીસને કરાઈ હતી. મંદિરમાં અસામાજીક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. તેમજ મંદિરની બાજુમાં આવેલી ઓરડીના તાળા તોડી શનિદેવના આભૂષણો તેમજ દાન પેટીમાંથી 300 રૂપિયા જેટલી રકમની ચોરી કરી હતી. આ બાબતે મંદિરના પૂજારી પ્રિતેશભાઈ દ્વારા મંદિરના વહીવટકર્તા સુરેશભાઈને જાણ કરવામાં આવી હતી. સુરેશભાઈ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો: ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તેમજ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ તેમજ ડાકોર પોલીસની ટીમ મંદિર ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓને લઈ આ બનાવ કોઈ અલગ જ સ્વરૂપ ધારણ ન કરે તેને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે.
ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ: આ ઘટના અંગે નડીયાદ ડીવાયએસપી વી.આર.બાજપેયીએ જણાવ્યું હતુ કે' "ડાકોર ઉમરેઠ રોડ પર એક શનિદેવનું મંદિર આવેલું છે. શનિદેવ મંદિરના વહીવટકર્તા સુરેશભાઈ છે. તેમને પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે. ત્યાં અને મંદિરમાં તોડફોડ થયેલી છે. ઓરડીનું તાળુ તોડી એમાંથી શનિદેવના આભૂષણ અને 300 રૂપિયા જેટલું પરચૂરણ ચોરી થઈ ગયું છે. મંદિરમાં શનિદેવની મૂર્તિને પણ નુકશાન કર્યુ છે. આ સંદર્ભે મંદિરના વહીવટકર્તાએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બીએનએસ કલમ 333, 305, 298, 224 અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: