જામનગર : 'કાઠીયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભુલાવું શામળા' આ કહેવત સાચી છે. સૌરાષ્ટ્રની મહેમાનગતિ વખાણવામાં આવે છે. ભૂતકાળમાં ગળાના સમ દઈને મહેમાનોને જમાડવામાં આવતા હતા. મહેમાનગતિની આ ઉજળી પરંપરાના દર્શન આજે પણ સૌરાષ્ટ્ર અને ખાસ હાલારમાં થાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ જામનગરમાં જોવા મળ્યું છે.
દ્વારકામાં ફુલડોલ ઉત્સવ : હાલ ફુલડોલ ઉત્સવની ઉજવણી માટે લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે આ લોકોને ભાવથી જમાડવામાં આવી રહ્યા છે. જેમાં વૃદ્ધો અને બાળકો સેવા આપે છે. જામનગર નજીક નાઘેડી પાસે દ્વારકાધીશ કેમ્પમાં અનેક સુવિધાઓ સાથે ભોજન પણ પીરસવામાં આવે છે.
દ્વારકા જતા પદયાત્રી : આગામી 23, 24 અને 25 માર્ચના રોજ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિર ખાતે ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દ્વારકા જઈ રહ્યા છે. ખાસ કરીને જામનગરમાંથી પસાર થતા તમામ પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હરિભક્તોની સેવા કાજે સેવા કેમ્પ : આ સેવા કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમાં ડોક્ટરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અહીં ભોજન અને ભજનનો સંગમ જોવા મળી રહ્યો છે. જય દ્વારકાધીશના નાદ સાથે પદયાત્રી દ્વારકા જઈ રહ્યા છે. જેમની સેવા અને સુવિધા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.