ગાંધીનગર: વિરમગામ જિલ્લાના માંડલ અંધાપા કાંડના પીડીતો વળતરની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. રજૂઆત કરવા આવેલા અસલગ્રસ્તોએ જણાવ્યું કે, અમે વિરમગામ જીલ્લાના માંડલ ખાતે શ્રી રામાનંદ હોસ્પિટલમાં આંખના મોતિયાનુ ઓપરેશન કરાવ્યુ હતુ. ઓપરેશન બાદ આંખોમાં ઇન્ફેક્શન લાગી જતા કેટલાક દર્દીઓને દેખાતુ બંધ થઈ ગયું હતું. 17 જેટલા દર્દીઓએ એક આંખમાં સંપૂર્ણ રીતે દ્રષ્ટિ ગુમાવી હતી. કેટલાક દર્દીઓને તો આંખ પણ કઢાવી પડી હતી. હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા. દોષિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સરકારે દ્રષ્ટિહીન થયેલા દર્દીઓને યોગ્ય વળતર ચૂકવવા માટે બાંહેધરી આપી હતી.
અમરેલીમાં શાંતાબા હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં દ્રષ્ટિ ગુમાવનારાં અસરગ્રસ્તોને સરકારે રૂ.7 લાખની સહાય ચૂકવી છે. તો પછી માંડલ અંધાપાકાંડના પિડીતોને વળતર ચૂકવવામાં સરકાર કેમ ઠાગાઠૈયા કરી રહી છે તે સમજાતુ નથી. માંડલ અંધાપાકાંડના અસરગ્રસ્તોની માંગ છે કે, શ્રી રામાનંદ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરો. હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરો સામે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરો અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવો.
સોમવારે માંડલ અંધાપાકાંડના 17 પિડીતો પરિવારને આરોગ્યમંત્રીને મળશે અને વળતર માટે રજૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વળતર ચૂકવવા અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાળ પર ઉતરીશું.
માંડલ અંધાપા કાંડમાં સ્થાનિક ધારાસભ્યનું ભેદી મૌન: વિધાનસભા ખાતે રજૂઆત કરવા આવેલા અસરગ્રસ્તોએ વિરમગામ માંડલના ધારાસભ્ય હાર્દિક પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, અમે વળતર માટે ધારાસભ્ય હાર્દિક પટેલને અનેક વાર રજૂઆત કરી છે. પરંતુ તેમણે અમારી રજૂઆતને સરકાર સુધી પહોંચાડવા માટે કોઈ તસ્દી લીધી નથી. માંડલ અંધાપાકાંડના અસરગ્રસ્તોએ અનેકવાર રજૂઆત કરી છતાંય વિરમગામના ભાજપના ધારાસભ્યએ મૌન ધારણ કર્યુ છે.
- સમગ્ર પ્રકરણમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી.
શું હતો માંડલ અંધાપા કાંડ ?: ગત 10મી જાન્યુઆરી, 2024ના રોજ વિરમગામ જીલ્લાના માંડલ ખાતે શ્રી રામાનંદ હોસ્પિટલમાં આંખના મોતિયાના ઓપરેશન કરાયા હતાં. ઓપરેશન બાદ ઘણાં દર્દીઓને જોવામાં તકલીફ ઉભી થઇ હતી. પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તા. 16મીએ વઘુ 12 દર્દીઓને સિવિલ લવાયા હતા. આખરે 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. બે દર્દીઓની તો આંખ કાઢવી પડી હતી. એ વખતે સરકારે અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. સરકારના આદેશને પગલે તા. 5મી ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ સુઘ્ધાં નોંધાઇ હતી.