વડોદરા: વડોદરા શહેરના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ મીડિયાને જણાવ્યું છે કે, ટિકિટ વહેંચણીને લઇ જે વિવાદ થયા બાદ તેમને બદલી દેવામાં આવ્યા. તેમને (સાંસદ રંજનબેન ભટ્ટ) વિચારવાની તક આપવી જોઇએ. પક્ષે તાત્કાલિક જે એક્શન લીધા છે તે યોગ્ય નથી. બધા સાથે મળીને વડોદરાનું સારૂં કરી શકે તેમ છે. કોઇ વિવાદની ભૂમિકા સર્જાય તે સંગઠન માટે થઇને સારી વાત ન કહેવાય. બેનર પોલિટીક્સ પાર્ટીના અહિતમાં છે. પાર્ટીને વ્યક્તિગત માન્યતાઓ અને દબાણથી પાર્ટીને બાનમાં લેવાની આ કોશિશ છે. તે ચલાવી લેવાય નહીં. તેને લઇને મોવડીમંડળ પગલાં લેશે તેવી મને શ્રદ્ધા છે. આ અંગે મારી રજૂઆત છે.
પાર્ટીએ કોરી સ્લેટને ટિકીટ આપી: જીતુભાઈ સુખડીયાએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારને લઈને કોઇ નારાજગી નથી. આ ઉમેદવાર એકદમ કોરી સ્લેટ છે સ્વચ્છ યુવાન છે, અને સિનિયરોની અવગણના કરવામાં બાકી પણ નથી રાખ્યું એમ પણ કહી શકાય. બીજી તરફ તેઓ એમ પણ જણાવે છે કે, જે શ્રેષ્ઠ છે તેને પાર્ટીએ સિલેક્ટ કર્યા છે અને અમારે જે રીતનું કામ કરવાનું છે તેમાં અમારો ઉમેદવાર ડો.જોશી સારી રીતે કામ કરી શકે.
સંગઠન સાથે ચર્ચાનો અભાવ: વડોદરા શહેરમાં ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ આવ્યું ત્યારે સૌ કાર્યકરો ઉત્સાહી હતા. એટલું જ નહીં તેમના સત્કાર સમારંભ થયા કાર્યકર્તાઓએ સ્વીકાર કર્યો, મળ્યા અને આતશબાજી થઇ, સમગ્ર વાતાવરણને કમળમય બનાવી દીઘું હતું. પરંતુ પસંદગી પછી તેમને હટાવવામાં આવ્યાં. કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો માટે તે દુઃખદ ધટના બની હતી. પાર્ટીમાં આજના સમયની જેમ બેનર પોલિટીક્સ ક્યારે જોયું નથી. પાર્ટીમાં અમને કામ કરવામાં મજા આવતી હતી. બેનર પોલિટીક્સની વૃત્તિની નિંદા કરું છું. ચૂંટણીના કાર્યક્રમોની જાણકારી આપવામાં આવતી નથી. સંગઠન સાથે ચર્ચાનો અભાવ છે. તેઓ સંવાદ કરવા માટે ટેવાયેલા નથી. અમે સિનિયર છીએ, અમારું માનસન્માન પાર્ટીનું માનસન્માન છે. જરૂર પડ્યે હાઇ કમાન્ડ સુધી મુદ્દાને લઇ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.