સુરત: કચ્છના દરિયાકિનારે થોડા દિવસો પહેલા પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ દરિયા કાંઠે રાજ્ય પોલીસને સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન માટે આદેશ આપ્યા છે. જેને લઈને તકેદારીના ભાગરૂપે સુરતના સુવાલી દરિયાકાંઠે સુરત એસઓજી, મરીન કમાન્ડોની ટીમ સાથે સ્થાનિક પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુંવાલી દરિયાકાંઠે 7 કિલો ચરસ મળ્યું: આ પહેલા પણ સુવાલી દરિયાકાંઠેથી 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત ઝાડી ઝાંખરા જેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સુવાલી દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કચ્છ દરિયાકિનારે અગાઉ ડ્રગ્સ મળ્યું: આ બાબતે SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, પોલીસ કમિશ્નરની સૂચના અનુસાર હાલ થોડા દિવસ પહેલા કચ્છના જખૌ, માંડવી બીચ, દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના પેકેટો મળી આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે હાલમાં જ સુરત શહેર નજીક આવેલ સુવાલી દરિયાકાંઠેથી પણ આ રીતે પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું.
અવાવરુ જગ્યાઓ પર સઘન ચેકીંગ કરાયું: એસઓજી, સ્થાનિક પોલીસ, મરીન કમાન્ડો , ડોગ સ્કવોડની ટીમ સાથે મળીને જવાનોની અલગ અલગ ટીમો બનાવીને સુવાલી બીચ દરિયાકિનારાના કાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તેમજ સ્નિફર ડોગ સ્કવોડની ટીમો સાથે રાખી પ્રતિબંધિત ડ્રગ્સ તેમજ ઝાડી ઝાંખરામાં આવેલ અવાવરું જગ્યાઓ બાબતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, કોઈ ગુનાહિત પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી.
સ્થાનિકોને સતર્ક રહેવાની સૂચના અપાઇ: સ્થાનિક રહીશો તેમજ માછીમારો સાથે સંવાદ કરીને સતર્ક રહેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિઓ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તેવી સૂચના અપાઇ હતી તેમજ કહેવામાં આવ્યું કે, આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકીંગ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે.