સુરત : લિંબાયત વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવીને ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આશરે 8 જેટલી દુકાનોમાં પોલીસે સુરત એડીબલ ઓઇલ એસોસિએશન સાથે મળીને રેડ કરી હતી. જેમાં બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં ડુપ્લીકેટ તેલ આપનાર દુકાનોમાંથી 60 તેલના ડબ્બા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ ખાદ્યતેલનો ગોરખધંધો :
લિંબાયત વિસ્તારમાં વિદ્યાલક્ષ્મી સુપર સ્ટોર સહિત અન્ય કિરાણા દુકાનો પરથી ડુપ્લીકેટ ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. એડીબલ ઓઇલ એસોસિએશન દ્વારા મળેલી ફરિયાદ બાદ પોલીસે લિંબાયત વિસ્તારની અલગ અલગ દુકાનોમાં રેડ કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ લોકો ઓરીજનલ ખાદ્યતેલના ડબ્બાની નકલ કરી ડુપ્લીકેટ તેલનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આ દુકાનોમાંથી 60 ડુપ્લીકેટ તેલના ડબ્બા જપ્ત કર્યા છે. સાથે અલગ અલગ બ્રાન્ડના 250 જેટલા સ્ટીકર પણ પોલીસને મળી આવ્યા છે. એટલું જ નહીં તેલના ડબ્બા પર લગાડવામાં આવતી અઢીસો કેપ્સુલ પણ પોલીસે જપ્ત કરી છે.
ગપલા કરતા આરોપી દુકાનદાર :
પોલીસે સુપર ટ્રેડર્સ દુકાનના માલિક નૂર મોહમ્મદ, દેવનારાયણ કિરાના સ્ટોરના માલિક આશિષ પ્રજાપતિ, શક્તિ સુપર સ્ટોરના માલિક નારાયણલાલ તૈલી, વિજય લક્ષ્મી સુપર સ્ટોરના માલિક મનોહર પઢિયાર, લક્ષ્મીનારાયણ સુપર સ્ટોરના માલિક નારાયણલાલ તૈલી, મનીષ કિરાણા સ્ટોરના માલિક મનીષ ભંડારી, પંકજ જૈન એન્ડ કંપનીના માલિક પંકજ જૈન, ભવાની જીરાના સ્ટોરના માલિક માધુભાઈ જાટ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકો સામે IPC કલમ 482 મુજબ તેમજ કોપીરાઈટ કલમ 63, 64 અને 65 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી કર્યો ઝોલ :
આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કેટલાક લોકો ઓરીજનલ બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચી રહ્યા છે. આ જાણકારી બાદ એસોસિએશનના હોદ્દેદારો સાથે મળીને જે તે દુકાનો પર રેડ કરવામાં આવી હતી. ત્યાંથી 60 જેટલા ખાદ્યતેલના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા અને દુકાનદારો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડુપ્લીકેટ તેલના ડબ્બા અને સામગ્રી :
સુરત એડીબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં મોટાભાગે ખાદ્યતેલમાં ભેળસેળ થઈ રહ્યું છે. આ તેલનું વેચાણ કરતા લોકો અંગેની થોડી ડિટેલ મળી હતી. વેપારી એસોસીએશન હોવાના કારણે અમે નક્કી કર્યું કે આ અંગે અમે ફરિયાદ કરીશું અને પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે સંવેદનશીલતા જાણીને અમારી સાથે પોલીસકર્મીઓ મોકલ્યા હતા. અમે ઘણી જગ્યાએ ગયા જ્યાં ભેળસેળ જોવા મળી. કેટલાક વેપારી પાસે ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે. જેમાં બ્રાન્ડેડ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. ઉપરાંત 200-250 કેપ્સુલ મળી આવી છે. આ સમગ્ર સામગ્રી પોલીસે પોતાના કબજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ તેલના ડબ્બા કેવી રીતે ઓળખશો ?
કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીનુ તેલ હોય તો તેના ડબ્બાઓ પર એમ્બોસ પ્રિન્ટ હોય છે. જો ડુપ્લીકેટ કેપ્સુલ હોય તો તે ઘસવાથી નીકળી જાય છે. પરંતુ બ્રાન્ડેડ કંપનીના કેપ્સુલ ઘસવાથી નીકળતા નથી. જ્યારે લોકો ડબ્બા જોઈએ ત્યારે તેની ફિનિશિંગ પરથી જ ખબર પડી જાય છે કે, તે ઓરીજનલ છે કે ડુપ્લીકેટ. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ ખૂબ જ અલગ લાગે છે. જેથી લોકોને જોવાથી જ ખબર પડી જાય છે કે આ અસલી છે કે નકલી. લોકોને તકેદારી રાખવી જોઈએ જ્યારે પણ તે તેલના ડબ્બા લેવા જાય ત્યારે આવી બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.