ગાંધીનગરઃ તાજેતરમાં રાજ્યમાં મુસળધાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખેતીના ઊભા પાકને નુકસાન થયું છે. ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સહાય માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
રાહત નિધિ ફંડમાં જમા થશે રકમઃ તાજેતરમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વહારે એસબીઆઇ બેન્ક આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ ચેકની રકમ મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા થશે. તે રકમનો ઉપયોગ દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને મદદ કરવામાં આવશે. રૂપિયાની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.
![ગુજરાત ખેડૂતોને સહાય માટે SBI એ 4.64 કરોડનો ચેક આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2024/gj-gnr-05-sbi-khedut-sahay-7212235_07092024211553_0709f_1725723953_110.jpg)
ગુજરાતમાં થોડા દિવસ પહેલાથી શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે જ્યારે એક સાથે ગુજરાત ભરને મેઘરાજાએ ધમરોળ્યું ત્યારે ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું. ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટીને પગલે ખેડૂતોની હાલત ચિંતામય બની છે. ત્યારે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ખેડૂતોની સહાય માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચેક અર્પણ કરવામાં આવ્યો છે. અહીં આપને જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકારની એવી બેન્ક છે જે સમસ્ત ભારતમાં સૌથી વધુ બેન્ક એકાઉન્ટ્સ ધરાવે છે. ભારતની સૌથી મોટી બેન્કમાં સ્ટેટ બેન્કના છેડા સુધી પણ અન્ય કોઈ નથી.
રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો. આ વેળાએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારી યુનિયનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.