ગીર સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, 73 વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોનું ઘોડાપૂર સોમનાથ મંદિર પરિસરમાં ઉમરી પડ્યુ હતુ.
ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સવારના ચાર કલાકથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કતાર બંધ ઊભેલા જોવા મળતા હતા. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આજે શ્રાવણમાસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને બિલ્વ પત્રના ઔલોકિક શણગારથી પણ દિવ્યમાન બનાવવામાં આવ્યા છે, આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના બિલ્વ પત્ર શૃંગારના દર્શન કરવાની સાથે પાલખી યાત્રામાં જોડાઈને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આજે શ્રાવણના પહેલા દિવસે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્ર ભગવાન સોમનાથ મય બનતું પણ જોવા મળ્યુ હતું.