બનાસકાંઠા : દાંતા તાલુકાને અંતરિયાળ અને પછાત વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારે દાંતા તાલુકાના ભેમાળ ગામમાં ધમધમતી ક્વોરીના સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકી સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો સાબિત થયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ક્વોરી સંચાલકો સરકારના નિયમોનું પાલન નથી કરતા તથા ધાક ધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી પ્રદૂષણ કરી રહ્યા છે.આ અંગે ભેમાળના લોકો સહિત સરપંચે અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
ભેમાળના સરપંચની રજૂઆત : દાંતા તાલુકાના ભેમાળ ગામમાં ધમધમતી ક્વોરી અંગે સરપંચ દ્વારા પત્ર લખી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોની માંગ છે કે, તાત્કાલિક ભેમાળમાં સ્થિત ક્વોરીના ડામરીકરણ સહિતના પ્લાન્ટ બંધ કરવામાં આવે, જેથી આસપાસના વિસ્તારના લોકો તેની અસર અને જીવલેણ બીમારીનો ભોગ બને નહીં.
આ અંગે વિગતવાર વાત કરવામાં આવે તો ભેમાળના સરપંચે ખાણ ખનીજ વિભાગ, દાંતા પ્રાંત અધિકારી, દાંતા મામલતદાર, પોલીસ વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ કોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્લાન્ટના માલિક મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે. જેના પગલે લોકો ગંભીર બીમારીથી પણ પીડાઈ રહ્યા છે.
ક્વોરી સંચાલકોની મનમાની : ભેમાળના સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, અનેક અધિકારીઓની મિલી ભગતના કારણે અને રાજકીય વગ ધરાવતા ક્વારી સંચાલકો મન ફાવે તેમ કરે છે, સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી થાય તે કરી લે પ્લાન્ટ આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ નહીં થાય તેવું કહે છે.
વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ : ભેમાળના સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે, અધિકારીઓ કોઈ જ પ્રકારે કોઈ જ કાર્યવાહી કરતા નથી. ચોક્કસથી આ વિષયને ધ્યાનમાં લઈને તંત્ર તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટ પર કાર્યવાહી કરી અને પ્લાન્ટ બંધ કરાવે. આ પ્લાન્ટ નજીક રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણ અને ઉડતા ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના કેટલાક પરિવારજનોનું આ ડસ્ટના લીધે બીમારીથી મૃત્યુ થયું છે. જમવામાં અને પીવાના પાણીમાં પણ આ ડસ્ટ ઉડે છે, જેના લીધે નજીકમાં રહેતા લોકો બીમારી ગ્રસ્ત થતા હોય છે.
ક્વોરીથી ત્રસ્ત ગ્રામજન : એક ક્વોરી નજીક રહેતા જનતાબેનના જણાવ્યું કે, મારા દેવર અને જેઠનું ગંભીર બીમારીથી મૃત્યુ થયું છે. મારા સસરા પણ આ ડસ્ટ ઉડતા બીમાર થયા અને તેમનું નિધન થયું છે. જ્યારે કોઈ પ્રકારની સુવિધા નથી અને ખાવામાં અને પીવાના પાણીમાં પણ ડસ્ટ ઊડે છે. અધિકારીઓ તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટ બંધ કરાવે તેવી અમારી માંગ છે.
જીવલેણ બિમારીનું જોખમ : ક્વોરીથી પરેશાન અન્ય એક સ્થાનિક મહિલા સવિતાબેન તેમના ભત્રીજાના ઘરે આવ્યા હતા. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રે પીવાના પાણીમાં પણ ડસ્ટ પડે છે. બીમારીને બીમારીમાં ભાઈઓ પણ મરી ગયા છે. તંત્ર આ ક્વોરીઓ બંધ કરાવે તેવી અમારી માંગ છે. આ ડસ્ટ બંધ નહીં થાય તો વધુ લોકોને બીમારી થશે અને લોકો વધુ મરશે.