જુનાગઢ : જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોના બ્રિડીંગ સેન્ટર માટે વર્ષોથી કામ કરી રહ્યું છે. પરંતુ પાછા ચાર પાંચ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખને પણ સાચવીને અનોખી કામગીરી કરી રહ્યા છે. ઝરખના બચ્ચાનો સફળતાપૂર્વક જન્મ કરાવીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર પ્રાણીસંગ્રહાલયમાં આપવામાં આવ્યા છે.
સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઝરખનો ઉછેર : જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહના બ્રિડિંગ સેન્ટર માટે ખૂબ જ પ્રચલિત છે. અહીં જન્મ લેનાર સિંહના અનેક બચ્ચાઓ આજે ભારત સહિત વિશ્વના ઘણા ખરા પ્રાણી સંગ્રહાલયોમાં ડણક કરી રહ્યા છે. પરંતુ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખનું પણ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. પાછલા ચાર પાંચ વર્ષમાં અહીં 10 કરતાં વધુ ઝરખના જન્મેલા બચ્ચાંનો ઉછેર કરીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર ઝુમાં મોકલવામાં આવ્યા છે. એક સમય હતો કે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઝરખને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવતું હતું તેની જગ્યા પર હવે પાછલા ચાર પાંચ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફળતાપૂર્વક ઝરખના બચ્ચાંનો જન્મ થઈ રહ્યો છે.
જૂનાગઢનું વાતાવરણ ઝરખને અનુરૂપ : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ ઝરખને બિલકુલ અનુકૂળ આવી રહ્યું છે આજના દિવસે પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ નર અને ત્રણ માદાની જોડી સફળતાપૂર્વક સંવવન કરી રહી છે. એક વર્ષ દરમિયાન એક માદા વધુમાં વધુ પાંચથી છ બચ્ચાને જન્મ આપે છે જેનો જન્મ દર વધુ હોવાને કારણે મૃત્યુદર પણ ખૂબ ઓછો છે. જેટલી સંખ્યામાં બચ્ચાનો જન્મ થયો હોય તે બચ્ચું તંદુરસ્ત જન્મ લે તો તેના મોતની શક્યતાઓ બિલકુલ નથી.
ગીધ બાદ બીજા કુદરતી સફાઈ કામદાર : ઝરખને સફાઈ કામદાર તરીકે પણ પ્રાણી સૃષ્ટિમાં ઓળખવામાં આવે છે. ગીધ બાદ તે સૌથી મોટા જંગલના સફાઈ કામદાર તરીકેનું બિરુદ પણ ઝરખને મળ્યું છે. તેની સાથે જંગલમાં ગંદકી દૂર કરવા માટે ઝરખ આજે એકમાત્ર પર્યાય બની રહ્યું છે. તમામ પ્રકારના મૃતદેહોનો બિલકુલ ગીધની માફક સફળતાપૂર્વક ભોજન કરીને તેનો નિકાલ કરવામાં ઝરખ એકદમ માહીર માનવામાં આવે છે. તે કોઈ પણ મૃતદેહના હાડકાં ખાઈ જવા સુધીની મજબૂત પાચન વ્યવસ્થા ધરાવે છે જેથી ઝરખનું મળ સફેદ રંગનું જોવા મળે છે.
ઝરખ સિંહને પણ શિકાર પરથી કરે છે દૂર : સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં સૌથી મજબૂત જડબા એકમાત્ર ઝરખ ધરાવે છે. તે કોઈ પણ હાડકાંને સેકન્ડોમાં જ તોડી પાડે છે. વધુમાં ઝરખ મોટે ભાગે સમૂહમાં રહીને શિકાર પણ કરે છે. એક સાથે આઠ દસ ઝરખ ભેગા થઈ જાય તો જંગલના રાજા સિંહને શિકાર પરથી ઊઠીને પોતાનો જીવ બચાવવા ભાગવું પડે છે. ઝરખ નાના પ્રાણીનો શિકાર સ્વયં કરે છે, પરંતુ મોટા પ્રાણીનો શિકાર તે સિંહ દીપડા કે અન્ય પ્રાણીઓ પર નિર્ભર કરે છે જે જગ્યા પર સિંહ કે દીપડાએ મોટું મારણ કર્યું હોય તે જગ્યા પર ઝરખનું આખું ટોળું પહોંચી જાય છે અને શિકાર પરથી સિંહ દીપડા જેવા મોટા હિંસક પ્રાણીને દૂર કરીને ખૂબ જ સરળતાપૂર્વક મોટા શિકારનું સામુહિક ભોજન પણ કરે છે.