સુરત : માથાભારની છાપ ધરાવનાર સુરતના સજ્જુ કોઠારીનું જેલમાં ED દ્વારા નિવેદન લેવાશે. સુરત કોર્ટમાં ED દ્વારા કરેલી અરજી મંજૂર થયા બાદ હવે સજ્જુ અને તેના સાગરિતોની પૂછપરછ કરવામાં આવશે. ઇન્ફોર્મન્સ ડાયરેક્ટેડ દ્વારા સુરત સેશન કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સજ્જુ કોઠારીની જેલની અંદર પૂછપરછ કરી તેનું સ્ટેટમેન્ટ લેવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. આ અરજી કોર્ટે મંજૂર કરી છે.
સજ્જુ કોઠારીનો ગુનાહિત ઈતિહાસ : સજ્જુ કોઠારી સુરત શહેરના અઠવાલાઇન્સ ખાતે આવેલ જમરૂખ ગલીમાં રહે છે. તેના વિરુદ્ધ ધાક ધમકી, ખંડણી, મારામારી સહિતના અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. સજ્જુ બિલ્ડરોને ધમકાવીને તેમની પાસેથી લાખો-કરોડો રૂપિયાની ખંડણી પણ માંગતો હતો. આ બાબતે સજ્જુ વિરુદ્ધ સુરત પોલીસમાં ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે. આ કેસ સંદર્ભે સજ્જુને જેલમાં મોકલી જે લોકો પાસેથી સજ્જુએ ગેરકાયદેસર રીતે પાસેથી નાણાં પડાવ્યા હોય તે અંગેની તપાસ પણ ચાલુ છે.
સુરત કોર્ટમાં ED દ્વારા અરજી : સજ્જુ કોઠારીએ આજ સુધી કેટલા લોકો પાસેથી ગેરકાયદેસર રૂપિયાની માંગણી કરી અને ખંડણી લીધી છે. તે અંગેની તપાસ ED કરી રહી છે. જે અંતર્ગત ED વિભાગ દ્વારા સુરત સેશન કોર્ટમાં અરજી કરાઈ હતી. જેથી જેલની અંદર સજ્જુ કોઠારી અને તેના સાગરીત પાસેથી સ્ટેટમેન્ટ લઈ શકાય. સુરત કોર્ટે સ્ટેટમેન્ટ લેવા માટેની અરજીનો સ્વીકાર કરતા પરવાનગી આપી દીધી છે. સંભવિત ED બાદ ઇન્કમટેક્સ વિભાગ સહિતની તપાસ એજન્સીઓ ભાઈગીરી કરીને લોકોને ભયભીત કરનાર સજ્જુ કોઠારી સામે લાલ આંખ કરી શકે છે.
સજ્જુ કોઠારી પર ED નો સંકજો : સુરત કોર્ટમાં પોલીસ તરફથી દલીલ કરનાર સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ED તરફથી ન્યાયાધીશ એ. આઈ રાવલને અરજી કરવામાં આવી હતી, જેને તેઓએ મંજૂર કરી છે. હવે ED વિભાગ લાજપોર જેલમાં 1 અને 2 માર્ચના રોજ સજ્જુ અને તેના સાગરીતની પૂછપરછ કરશે. આજ દિન સુધી સજ્જુએ કેટલા લોકો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવ્યા અથવા તો ખંડણીની માંગણી કરી છે તે અંગે ED દ્વારા તપાસ કરવામાં આવશે. સજ્જુના ગુનાનો ભોગ બનેલા મોટાભાગે બિલ્ડર છે.