સાબરકાંઠા : પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાના ઉપાયોગથી થતી આવક જમીનની ફળદ્રુપતા છીનવી રહી છે. ત્યારે સાબરકાંઠાના એક શિક્ષકે ખેતીમાં જંપલાવી પ્રાકૃતિક ખેતી થકી ક્રાંતિ કરી છે. પ્રાંતિજ તાલુકાના ખેડૂત હસમુખભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી લાખોની કમાણી કરી છે.
પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ : ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલા અનુભવો અંગે હસમુખભાઈએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું. તેની જુદી જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારિત ખેતી અંગેની તાલીમ યોજાયેલ, જેમાં મેં ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું અને તેમના કુરુક્ષેત્રના ફાર્મની મુલાકાત પણ લીધી, તેથી આ ખેતી પર વિશ્વાસ બેઠો.
જીવામૃતે વધારી ફળદ્રુપતા : શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું અને ડાંગરનું વાવેતર શરૂ કર્યું. આ સિવાય મગફળી, શાકભાજી, ઘઉંનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. મગફળીનું મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને વેચાણ કર્યું છે. સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી. હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી, તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજસંગ્રહ શક્તિ પણ સુધરી, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઈ છે.
![પંચસ્તરિય મોડલ ફાર્મિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/21748200_1_aspera.jpg)
પંચસ્તરિય મોડલ ફાર્મિંગ : હાલમાં પંચસ્તરિય મોડલ ફાર્મિંગ કર્યું છે. જેમાં 20 જેટલા જુદા-જુદા પ્રકારના રોપા વાવ્યા છે. જેમાં અવનવા ફળો જેમ કે સફેદ જાંબુ, સ્ટાર ફ્રુટ, સીંગાપુર ચેરી, સફરજન, પામેલા, રેડ માલ્ટા, પેશન ફ્રુટ, લીચી, આવાકાડો, વોટર રેપલ, ગ્રોસ બેરી, અંજીર, દાડમ, ચીકુ, સીતાફળ, બોના નાળિયેર સાથે ભારતીય ગરમ મસાલામાં વપરાતા લવિંગ, ઈલાયચી, જાયફળ, લસણ વેલ, ઓલ સ્પાઇસી, લીંબુ વગેરે છોડવા ઉછેર્યા છે. આ પાકની સાથે છોડની એક બાજુ મકાઈ અને બીજી બાજુ મગનું વાવેતર કરશે. જેથી આ ફળાઉ વૃક્ષોની આવક શરૂ થાય ત્યાં સુધી એક આવક શરૂ રહે. આ વખતે 85 બાસમતી ડાંગરનું ધરુ ઉછેર્યું છે. જેનું ત્રણ વીઘા જમીનમાં વાવેતર કરશે.
શું તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો ? ઉપરાંત અન્ય ખેડૂતોને મદદ થાય તેવા હેતુથી જીવામૃત બનાવી વેચાણ કરે છે. જેમાં 50 કિલો ગ્રામની બેગ રૂ. 330 ના ન નફો ન નુકશાનના હેતુથી વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીથી તેમની આવકમાં વધારો થયો છે. જમીનની ફળદ્રુપતા વધી છે. સરકાર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને સીધા માર્કેટ મળ્યું છે. સૌથી મહત્વપૂર્ણ વાત કે, પ્રાકૃતિક ખેતી થકી જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે અને લોકોને શુદ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે. અંતે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા હસમુખભાઈએ અપીલ કરી છે.