અમદાવાદઃ દેશના વિદેશ પ્રધાને આજે રાજકોટ બાદ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ગુજરાતને દેશનું આર્થિક પાવર હાઉસ ગણાવ્યું હતું.
21 જહાજો તૈનાતઃ વિદેશ પ્રધાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે આયાત નિકાસ કરતા વેપારને નડતી મુખ્ય સમસ્યા ચાંચિયાઓની છે તેમ જણાવ્યું હતું. તેમણે રેડ સીમાં થતી સમસ્યાઓના ઉકેલ માટે ભારત સરકારે કરેલા પ્રયત્નો વિશે માહિતી આપી હતી. એસ. જયશંકરે જણાવ્યું હતું કે ચાંચિયાગીરીને અટકાવવા માટે નૌ સેનાના 21 જહાજ ભારતીય જહાજોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે થતો ભારતીય વેપાર વિના વિઘ્ને થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.
કૉંગ્રેસ પર આકરા વાકપ્રહારઃ તમિલનાડુના ટાપુ સંદર્ભે કૉંગ્રેસ પર વાકપ્રહાર કર્યા હતા. જેમાં જવાહરલાલ અને ઈન્દિરા ગાંધીએ ભારત અને શ્રીલંકા વચ્ચેના ટાપુઓને કદાપિ મહત્વ ન આપ્યું તેમ જણાવ્યું હતું. આ વિસ્તારમાં માછીમારીના અધિકારો ભારત સરકાર પાસે ન રહે તે માટેના પ્રયત્નો ન કર્યા. તમિલનાડુની ડીએમકે સરકારે ભારતની જનતાથી સત્ય છુપાવ્યું જેનાથી આ દરિયાઈ વિસ્તારની સમસ્યાઓમાં વધારો થયો છે.
ગુજરાતીઓને વખાણ્યાઃ એસ.જયશંકરે ગુજરાત અને ગુજરાતીઓના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, હું દિલ્હી બાદ ગુજરાત રાજ્યમાં વધુ વખત આવું છું. હું 2 વાર નવરાત્રિમાં પણ આવ્યો છું. ભારત જ નહિ સમગ્ર વિશ્વમાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં તેઓ સખત મહેનત કરતા હોય છે. તેઓ કદી ડાઉન જતા નથી. તેઓ હળી મળીને સંપથી સાથે રહેતા હોય છે. મને પણ દિલ્હીમાં 2 ગુજરાતીઓ વચ્ચે રહેવાનો લ્હાવો મળ્યો છે. તેમજ ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતાને વખાણતા તેમણે કહ્યું કે, ગુજરાત એ દેશનું આર્થિક પાવર હાઉસ છે.