ભાવનગર : પુરુશોત્તમ રૂપાલાના ટિપ્પણીના પડઘા શાંત પડ્યા નથી, ત્યારે જેમ જેમ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીની તારીખ નજીક આવે છે. ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજનું આંદોલનમાં વેગ આવતો હોવાનું ફળીભૂત થાય છે. ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં રાજપૂત ક્ષત્રિય સમાજે ભાજપના લોકોની પ્રવેશબંધીનાં પોસ્ટર લગાવ્યા છે. જો કે પ્રથમ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિઠ્ઠલવાડીમાં રાજપૂત ક્ષત્રિયોની બેઠક મળી : ભાવનગર શહેરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એક સંમેલન કરીને ભવ્ય રેલી યોજીને આવેદનપત્ર પાઠવી ચુક્યો છે. પરંતુ પુરુશોત્તમ રૂપાલાની ટિકીટ નહીં કપાતા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ભાવનગરમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં વસતા હોવાથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ત્યાં રહેતા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોએ બેઠકમાં હાજરી આપી હતી. આગેવાને જણાવ્યું હતું કે ગોહિલ રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આદેશ મુજબ રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવાનો છે.
અમે વિઠ્ઠલવાડીના તમામ વિસ્તારો 18 વર્ણના લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પુરુશોત્તમ રૂપાલાની ટિકીટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપની મિટિંગ, પ્રચાર કે પ્રવેશ નહી કરવા દઈએ. અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે રૂપાલાની ટિકીટ રદ થવી જોઈ...કુલદીપસિંહ ગોહિલ (આગેવાન, વિઠ્ઠલવાડી,ભાવનગર )
બેઠક યોજવા પાછળનું કારણ : ભાવનગર ગોહિલવાડ રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આદેશ મુજબ પંચનાથ મહાદેવ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં વિઠ્ઠલવાડી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો જણાવ્યું હતું કે રાજપૂત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સંદેશો પાઠવ્યો છે કે આગામી 14 તારીખના રોજ રાજકોટના રતનપર ગામે મંદિર સામે એક સંમેલન યોજવાનું છે. જે કોઈ આવવા માંગતું હોઈ તે આવી શકે છે. જો કે પંચનાથ ખાતે મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી હતી.
ભાજપની પ્રવેશબંધીના પ્રથમ પોસ્ટરો જોવા મળ્યાં : ભાવનગર શહેરના પંચનાથ મહાદેવના સાનિધ્યમાં મળેલા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોની બેઠક બાદ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. પોસ્ટરમાં લખ્યું છે કે " પ્રવેશબંધી, ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ જૂની વિઠ્ઠલવાડી, નવજીવન સોસાયટી, બે માળિયા, ત્રણ માળિયા,ગાંધીનગર,નિર્મળનગર અને ભાવુભાના ચોકમાં રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યાં સુધી આવવું નહીં " શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજ. આમ રાજપૂત ક્ષત્રિય સમાજે પ્રથમવાર પોસ્ટર લગાવીને વિરોધ દર્શાવ્યો છે.