ગાંધીનગર : લોકશાહીના મહાપર્વ લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે. આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગની રહ્યા છે. ત્યારે મતદારોના ઉત્સાહ- ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી ગાંધીનગરના આંગણે રાજ્યના મુખ્ય નિર્વાચનની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
"રન ફોર વોટ": રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ રન ફોર વોટ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે. લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સહિત સર્વે મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી.
2500 નાગરિકો જોડાયા : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્ક ખાતે રન ફોર વોટ રેલીનું આયોજન સવારે 6:30 કલાકે કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિના આ અવસરમાં નગરજનો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં સવારથી આવવા લાગ્યા હતા. રન ફોર વોટ રેલીમાં 2500 જેટલા નાગરિકો સહભાગી થઇ મતદાન માટે પ્રેરણારૂપ બન્યા હતા,
મતદાન કરવા સંકલ્પ લીધો : ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક સરદાર પટેલની પ્રતિમાથી રન ફોર વોટ રેલીનો આરંભ થયો હતો. આ રેલી ઘ-4 થઈ મહાત્મા મંદિર પહોંચી હતી, ત્યાં રેલીનું સમાપન થયું હતું. આ રેલીમાં સર્વે નાગરિકો અને કર્મયોગીઓએ આગામી 7 મે, મંગળવારના રોજ અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો અને સાથે જ સૌને અપીલ કરી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અપીલ : આ રેલીમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડો. કુલદીપ આર્ય, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન. વાઘેલા સહિત તમામ નોડલ અધિકારી અને કર્મયોગી અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.