સુરત : શહેરના જાણીતા ઉદ્યોગપતિ પ્રમોદ ચૌધરીની પ્રતિભા મિલને ભાજપના માજી કોર્પોરેટર અને તેના જમાઇએ રૂ. 68.77 લાખનો ચૂનો ચોપડ્યો હતો. કાપડ પર ડાઈંગ-પ્રોસેસિંગનું જોબવર્ક કરાવી પેમેન્ટના નામે વાયદા કરી છેતરપિંડી કર્યા મામલે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો.
ઉદ્યોગપતિ પ્રમોદ ચૌધરીની મિલ : ઉધના હરિનગર ખાતે શુભ રેસિડન્સીમાં રહેતા 57 વર્ષીય સત્યદેવ મનોરામ મિશ્રા પાંડેસરા GIDC ખાતે આવેલી પ્રતિભા ફેબ્રિક્સ લિમિટેડ નામની કપડાની પ્રોસેસ મિલમાં છેલ્લા 15 વર્ષથી સેલ્સ માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની ફર્મ દ્વારા કપડા પર જોબ વર્કથી ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ કરવામાં આવે છે.
આરોપીઓએ આપ્યો ઓર્ડર : જાન્યુઆરી 2018માં હરિવર્ષા પ્રિન્ટ્સ ફર્મના માલિક રાજેન્દ્ર બાબુલાલ અગ્રવાલ અને મેનેજર તથા રાજેન્દ્રના જમાઈ મોહિત અશોક ખૈતાન તેઓની મિલમાં આવ્યા હતા. આ દરમિયાન રાજેન્દ્ર અગ્રવાલે સત્યદેવને પોતે સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અને માર્કેટમાં સારી શાખ ધરાવે છે, એમ જણાવી ગ્રે કાપડનો માલ ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ કરવા જણાવ્યું હતું. સાથે જ 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની પણ ખાતરી આપી હતી.
68.77 લાખનું પેમેન્ટ બાકી : રાજુ અગ્રવાલ અને મોહિત ખૈતાનના ઓર્ડર પ્રમાણે પ્રિન્ટિંગ જોબવર્કનો માલ રિંગરોડ, મિલેનિયમ-2ના પહેલા માળે, ભાઠેના મિલેનિયમ-4 ખાતે તથા આંજણા મિલેનિયમ માર્કેટ મોકલી આપ્યો હતો. જે જોબવર્કના રૂ. 68.77 લાખના પેમેન્ટ માટે ઠાગાકૈયા કર્યા હતા. સસરા-જમાઈને લીગલ નોટિસ ફટકારી તો, પેમેન્ટ ચૂકવી દેવાયું છે અને પેમેન્ટ રસીદ આપી નથી એવો વળતો જવાબ નોટિસ બાબતે આપ્યો હતો.
પોલીસ ફરિયાદ : ત્યારબાદ ફટકારેલી લીગલ નોટિસનો પણ કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો. આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સત્યદેવ મિશ્રાની તપાસ આધારે ક્રાઈમ બ્રાંચે રાજેન્દ્ર બાબુલાલ અગ્રવાલ (રહે. સનરાઇઝ ટાઉનશિપ, સમ્રાટ સ્કૂલ પાસે, પરવટ પાટિયા) અને મોહિત અશોક ખૈતાન (રહે. ધ મેજેસ્ટીક, સોહમ સર્કલ પાસે, અલથાણ) સામે રૂ. 68.77 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.