અમદાવાદ : લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ત્યારે લોકસભા ચૂંટણી ઉમેદવારોના નામ જાહેર કરવાની કવાયત થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસે મજબૂત ઉમેદવારો ગોતવાની મથામણ વચ્ચે કેટલાક નામ જાહેર કર્યા હતા. જેમાં અમદાવાદ પૂર્વની બેઠક પર રોહન ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે હવે રોહન ગુપ્તાએ પાછા પગલાં ભરતાં મોવડીમંડળ માટે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા : ગુજરાતમાં 7 મે, 2024 ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ભાજપે ગુજરાતમાં કુલ 22 અને કોંગ્રેસે 07 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું હતું. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી. જોકે હવે રોહન ગુપ્તા પોતાના કારણોસર ચૂંટણી નહીં લડે. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા દાયકાઓથી કોંગ્રેસના એકનિષ્ઠ આગેવાન રહ્યાં છે. તેમણે પણ તબિયત નાદુરસ્ત હોવાનું કારણ દર્શાવી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
ઉમેદવારી પાછી ખેંચી : રોહન ગુપ્તાએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X ' પર પોતે માહિતી આપી છે. રોહન ગુપ્તાએ 'X' પર કેપ્શનમાં લખ્યું છે કે ' મારા પિતા ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.' આ સાથે રોહન ગુપ્તા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે.
કોણ છે રોહન ગુપ્તા ? 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તમણે બીઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે. આઇટી સેલના અધ્યશ્ર તરીકેનો અનુભવ છે. 20 જૂન 2022 ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. તેવામાં હવે તેમણે અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા મજબૂર બની છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજકુમાર ગુપ્તા : ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય તથા કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 40 વર્ષ સુધી કોંગ્રેસના સભ્ય રહ્યા હતા. જે બાદ અચાનક જ તેમણે રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે પોતાની તબિયત સારી ન હોવાનું કહીને રાજીનામું આપ્યું છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચૂક્યા છે. રાજકુમાર ગુપ્તા સ્વ. અહેમદ પટેલ ગ્રુપના નેતા માનવામાં આવતા હતા. અહેમદભાઈના અવસાન બાદ તેમના ગ્રુપના મોટાભાગના નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.