ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રિ મોન્સુન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ચૂક્યા છે. ત્યારે બીજી તરફ અત્યારે હાલ ગાંધીનગરમાં મહત્વના માર્ગો એક સાઇડ ઉપરથી વાહન વ્યવહાર માટે ચાલુ રાખવાની ફરજ પડી છે. જેના કારણે ગાંધીનગર હવે ભુવા નગર તરીકે નવી ઓળખ બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ પ્રિ મોન્સુન એક્શન પ્લાન બનાવી દીધો હતો. પરંતુ વરસાદના આગમન સાથે જ આ સમગ્ર એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઈ ગયો છે. ગાંધીનગરવાસીઓ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ETV BHARATની ટીમે ગાંધીનગરની દુર્દશાની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના સેકટરોને જોડતા મુખ્ય રોડ ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલીક જગ્યાએ હવે JCB કામે લગાડી તંત્ર પોલ છુપાવવા નો પ્રયાસ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ગાંધીનગર બન્યું ભુવાનગર: રાજ્યના પાટનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગરમાં થઈ રહેલા કથિત સ્માર્ટ કામોની પહેલા વરસાદમાં પોલ ખુલે છે. રવિવારે ખાબકેલા વરસાદમાં પાટનગર ગાંધીનગર ભુવાનગરી બની જતા સંખ્યાબંધ વાહનો ફસાઈ જવાના બનાવો સાથે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરીફાઈમાં તંત્રએ આડેધડ ઠેર ઠેર ખાડા ખોદી નાખી ડ્રેનેજ - પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી કરી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરાયાની નગરજનોએ કરેલી ફરીયાદો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. જ્યારે સેકટર - 2 માં પણ રોડને અડીને મસમોટો ભૂવો પડવાથી કાર ખાબકી હતી. તો આંતરિક માર્ગોમાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈને ભૂવા પડતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
નાગરિકોએ નોંધાવ્યો અનોખો વિરોધ: નાગરિકોએ પોતાના ઘર આગળ લગાવેલા ભાજપના ઝંડા ખાડામાં લગાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં ડ્રેનેજ - પાણીની પાઈપ લાઈન બિછાવવાની છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ નહીં થતાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માત્રને માત્ર નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. ઠેર ઠેર ખોદવાના આવેલા ખાડાઓ માત્ર બે ઇંચ વરસાદમાં જ જીવલેણ બની ગયા છે. ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદે સ્માર્ટ સીટી ગાંધીનગરની અણઘડ કામગીરીની પોલ ખોલી નાખી છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ નગરજનોએ પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય રીતે માટી પુરાણ નહીં કરવામાં આવ્યું હોવાનું વારંવાર ફરિયાદો કરી હતી. પરંતુ તંત્રએ આંખ આડા કાન કરીને પાઈપ લાઈનની કામગીરી સામે યોગ્ય પગલાં નહીં ભરવાના કારણે બીજા વરસાદમાં જ ગાંધીનગર ભુવાનગરી બની ગયું છે.
આંતરિક રોડ સામાન્ય વરસાદમાં ધોવાયા: એમાંય દર વર્ષની માફક ઘ - 4 નો અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. પ્રતિવર્ષની માફક ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા અંડરબ્રિજમાંથી પાણી ઉલેચવાનીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ સેક્ટરોનાં આંતરિક રોડ રસ્તા પણ સામાન્ય વરસાદમાં ધોવાઈ જઈ બેસી ગયા હતા. ગાંધીનગરના રહેવાસી અમિત શર્માએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગાંધીનગર ગુજરાતનું એકમાત્ર વેલ પ્લાન સીટી હતું. જ્યારથી સ્માર્ટ સિટીના નામે ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભુવાનગર અને ખાડાનગરનું ગાંધીનગરને ઉપનામ મળી ગયું છે. એક દિવસના સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે. મેટ્રો ડ્રેનેજ અને પાણીના ખોદકામમાં યોગ્ય સાઈનબોર્ડ અને ડાઈવર્ઝન બોર્ડ લગાડવામાં આવ્યા નથી. રાત્રે કોઈ ઇમર્જન્સી કામથી માણસ ઘરેથી નીકળે તો પાછો સલામત આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.
પ્રિ મોન્સુનની કામગીરી નિષ્ફળ: પાણી અને ડ્રેનેજની લાઈન નખાઈ ગયા બાદ પણ રસ્તાનો યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. રસ્તા કાર્પેટ કરવામાં આવ્યા નથી. તેથી ચોમાસામાં અકસ્માતની સંભાવના છે. ગાંધીનગરના રહેવાસી ધ્વનિત પંડ્યાએ જણાવ્યું કે, ગઈકાલે ગાંધીનગરમાં પ્રથમવાર આખો દિવસ વરસાદ પડ્યો હતો. પ્રથમ વરસાદમાં અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા ભુવા અને ખાડા પડ્યા છે. હવે આજે તંત્ર દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી ચોમાસા પહેલા થઈ જવી જોઈએ. તંત્રને પહેલેથી ખબર હોવી જોઈએ કે વરસાદની સિઝન આવવાની છે, તે ખાડા એડવાન્સમાં પૂરી દઈએ. આ પ્રથમ વર્ષની સમસ્યા નથી દર વર્ષે આવું જ થાય છે. ચોમાસાની શરૂઆતમાં ક્યાંક રસ્તા ધોવાય છે ખાડા કે ભુવા પડે છે. આ સમસ્યા વર્ષો જૂની છે. જ્યાંથી સમગ્ર ગુજરાત રાજ્યનો વહીવટ ચાલે છે એ સ્માર્ટ સીટીની પ્રી મોન્સુન કામગીરી કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નિવડેલ છે.
ગાંધીનગરના મેયરે આપ્યું આશ્વાસન: ચોમાસાની શરૂઆતમાં શહેરના જાહેર રોડ રસ્તા પર પાણીની નિકાલ વ્યવસ્થાને અભાવે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતી પાઈપ લાઈનની કામગીરી પછી માટીનું યોગ્ય પુરાણ નહીં કરાતાં ભુવા પડવા લાગ્યા છે. વાહનો ફસાઈ જવાની સાથે જીવલેણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કરોડોનો ટેક્સ ઉઘરાવી નાગરિકોને પૂરતી સુવિધાઓ આપવામાં આવી નથી. દર વર્ષે આ મામલે રજૂઆતો કરીએ છીએ પણ કોઈ નિરાકરણ આવતું નથી. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે, ગઈકાલે વરસાદ પડ્યો હતો એટલે શહેરમાં કેટલાક સ્થળોએ રસ્તા પર ખાડા પડવાની અને રસ્તો ધોવાવાની સમસ્યા ઊભી થઈ હતી પરંતુ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ તાત્કાલિક ધોરણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી. આજે સવારે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે જઈને રસ્તાઓ પર ખાડા પુરવાની શરૂઆત કરી દીધી છે. આગામી દિવસોમાં પણ જ્યાં લોકોને રોડ રસ્તાની સમસ્યાઓ હશે તેનું નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. શહેરના પ્રથમ નાગરિક મેયર મીરાબેન પટેલના આશ્વાસન બાદ ગાંધીનગરના નાગરિકોને ખાડા અને ભૂવાથી છુટકારો મળશે કે નહીં તે આગામી સમય જ બતાવશે.