ભુજઃ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તો ખખડધજ બનતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. તો તૂટેલા માર્ગથી વાહન ચાલકો અવારનવાર અકસ્માતોનો ભોગ બને છે. કચ્છમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ છે. ભુજ તાલુકાના કોટડાથી સીનુગ્રાને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યારે આ રસ્તાનું રિસર્ફેસિંગ અથવા નવા બનાવવા માટે આર.એન્ડ.બીના અધિકારીઓ દ્વારા પગલાં લેવાય તેવી માંગ ઊભી થઈ છે. જિલ્લા પંચાયતના સભ્યએ પણ રજૂઆત કરી છે તેમજ જો તાત્કાલિક કામ નહીં કરવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
લોકોની વધતી સમસ્યાઓઃ ભુજના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તો ખખડધજ બનતા લોકોને મુશ્કેલી ભોગવવાનો સમય આવ્યો છે. તૂટેલા માર્ગથી વાહન ચાલકો પણ અવારનવાર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. કચ્છમાં વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ જતાં માર્ગ મકાન વિભાગના વાંકે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે. તો સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પણ આપાતકાલીન સમયમાં ન આવી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
20 કિલોમીટર જેટલો રસ્તો ખખડધજઃ ભુજ તાલુકાના મોટા ભાગના રસ્તાઓની હાલત ખખડધજ બની છે. ઉપરાંત ભુજ નજીકના રોડની આવી હાલત હોય તો દૂર દૂર સુધી જતા રસ્તાઓની માત્ર કલ્પના કરવી જ રહી. ભુજ તાલુકાના કોટડાથી સીનુગ્રાને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં થઈ જતા અનેક વાહન ચાલકો હાલાકી વેઠવી રહ્યા છે. કુલ 20 કિલોમીટર જેટલો રસ્તો ખખડધજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત આ માર્ગ પર અનેક અક્સ્માત થયા છે પણ આર.એન્ડ.બીના અધિકારીઓ દ્વારા હજુ સુધી આ રસ્તાના સમારકામ અથવા નવા નિર્માણ માટે કોઈ કામગીરી કરવામાં આવી ના હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકીઃ આર.એન્ડ.બી.ના અધિકારી તેમજ તેમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા પોતાને લાભ થાય તેવા રોડ બનાવીને ભ્રષ્ટાચાર આચરતા હોવાની વાત પણ કચ્છ જિલ્લા પંચાયતના સભ્યએ કરી હતી. તો બીજી બાજુ હાજાપરથી થરાવડાના રસ્તા, જદુરાથી હરીપર માર્ગમાં આવતા પુલમાં પણ મસમોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખખડધજ રસ્તાઓ પર વહેલી તકે પેચીંગ અથવા રિપેર કરવામાં નહીં આવે તો કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય નારાણ મહેશ્વરીએ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચારી છે.
1લી ઓક્ટોબરથી 21 કરોડના ખર્ચે રોડ નિર્માણ પામશેઃ ડેપ્યુટી એન્જિનિયર હાર્દિકસિંહ જાડેજાએ Etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રસ્તાને મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં છે. ટેન્ડર ફાઈનલ થાય એટલે કામ શરૂ કરવામાં આવશે અને અંદાજિત પહેલી ઓક્ટોબરથી આ રોડના નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. કુલ 21 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને આગામી સમયમાં આ રોડ બની જશે. જેથી કરીને સ્થાનિક લોકોની લાંબા સમયથી જે માંગ હતી તે સંતોષાઈ જશે અને સમસ્યાનું નિવારણ પણ આવી જશે.