રાજકોટ : વેપારીઓ બમણો નફો કમાવવાની લાલચમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. રાજકોટમાં પણ ફરસાણ, મીઠાઈ અને પનીર સહિતની ખાદ્ય વસ્તુઓનો ભેળસેળ યુક્ત જથ્થો પકડાયો છે. ત્યારે હવે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. અગાઉ ભેળસેળયુક્ત ચીજનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હવે આ રિપોર્ટની રાહ જોવામાં આવશે નહીં, હવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પકડાશે તો તાત્કાલિક ફૂડ વિભાગ દ્વારા તે યુનિટને સીલ કરી દેવામાં આવશે.
રાજકોટ મનપાનો એક્શન મોડ : આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મનપાનાં ફુડ વિભાગ દ્વારા એક સપ્તાહ પહેલા મોટા પ્રમાણમાં દાબેલા ચણાનો ભેળસેળયુક્ત જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અંદાજે 5000 કિલો જેટલો દાબેલા ચણાનો જથ્થો ભેળસેળયુક્ત અને અનહાઇજેનિક કન્ડિશનમાં ઝડપાયો હતો. તેને નાશ કરવાની કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા કરાઈ હતી. જ્યારે અહીંથી ફૂગવાળા ચણા તેમજ દાજ્યું તેલ અને શંખ જીરાનો પાવડર સહિતના પદાર્થના સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની કડક કાર્યવાહી : ડો. જયેશ વાંકાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જથ્થો જોઈને લાગતું હતું કે અહીંયા મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને GPMC એક્ટ 1949 ની કલમ નંબર 376 A અન્વયે માનવ આરોગ્ય સાથે ડાયરેક્ટ ચેડા કરતા એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ આ પ્રકારની કાર્યવાહી લગભગ કરવામાં આવી નથી. પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારના અખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા યુનિટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ફેંસલા ઓન ધ સ્પોટ : ઉલ્લેખનીય છે કે, અગાઉ દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઈનો ભેળસેળયુક્ત જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કોર્પોરેશનના નિયમ પ્રમાણે આ વસ્તુઓના સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. હાલ પણ જે જગ્યાએથી ભેળસેળયુક્ત વસ્તુઓ ઝડપાઈ હતી ત્યાં વેચાણ થઈ રહ્યું છે. એવામાં હવે કોર્પોરેશન દ્વારા સેમ્પલના રિપોર્ટની રાહ જોયા વગર જે તે યુનિટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકશે.