ગાંધીનગર : પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી થકી 9 વર્ષમાં ગુજરાતના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ આવાસોનું નિર્માણ થયું છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન આ યોજનામાં કેટલીક નાની-મોટી વિસંગતતા પણ જોવા મળે છે. ચાલો જાણીએ GUDA દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા ફ્લેટની વાસ્તવિક સ્થિતિ અને લાભાર્થીઓના મંતવ્ય...
આવાસનું નબળું બાંધકામ : ગોકુલધામ રેસીડેન્સીના પ્રમુખ રતુભા ચાવડાએ જણાવ્યું કે, આવાસનું બાંધકામ નબળું છે. દિવાલમાં કેટલીક જગ્યાએ તિરાડો પડે છે. અમે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. કેટલાક આવાસ મકાનમાલિકો દ્વારા ભાડે આપવામાં આવ્યા છે, તેની પણ ફરિયાદ કરી હતી. મકાનનો કબજો સોંપાયો ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને ગુડામાં અનેક ફરિયાદો કરી, પરંતુ કોન્ટ્રાકટર રીપેરીંગ માટે કારીગર મોકલતા નથી.
ટપક ટપક પાણીની સમસ્યા : અન્ય એક લાભાર્થી મીનાબેન આહિરે જણાવ્યું કે, ઘરમાં તિરાડો પડી છે. ડ્રેનેજ અને પાણીની લાઈનમાંથી પાણી લીકેજ થઈને દીવાલોમાં ટપકે છે. બાથરૂમની ટાઇલ્સ તૂટી ગઈ છે. રસોડામાં બાથરૂમમાં અને ટોયલેટ બ્લોકમાં અનેક જગ્યાએ પાણી લીકેજ છે. આ પાણી દીવાલો અને RCCમાં ગળે છે. તેને કારણે ભવિષ્યમાં આવાસનું બાંધકામ નબળું થાય તેવી સંભાવના છે.
રામરાજ-અધૂરું કામકાજ : ગોકુલધામ રેસીડેન્સીમાં રહેતા સોનલબેન રાવલે જણાવ્યું કે, લિફ્ટમાં અનેક સમસ્યાઓ છે. લિફ્ટ છાશવારે બંધ પડી જાય છે. ગેસ લાઈન નાખવા માટે પાર્કિંગમાં બ્લોક ઉખેડીને ખાડા કરવામાં આવ્યા હતા. બાદમાં ગેસ કંપનીના મજૂરો ખાડા પૂર્યા વગર જતા રહ્યા છે. માટી ઉપર બ્લોક ગોઠવવામાં આવ્યા નથી. સોસાયટીના રહીશોએ સ્વખર્ચે ખાડા પુરાવ્યા છે.
સ્વખર્ચે સમારકામ મોંઘુ પડ્યું : કોકીલાબેન રાવલે જણાવ્યું કે, આવાસના બાંધકામની ગુણવત્તા નબળી છે. મારા ફ્લેટમાં રસોડાના પ્લેટફોર્મનો પથ્થર તૂટીને નીકળી ગયો છે. મેં અઠવાડિયા પહેલા લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ રિપેર કરવા આવ્યો નથી. મારે જાતે ખર્ચ કરીને આ પટ્ટી રીપેર કરાવી પડી. ટોયલેટની લાઈન પણ લીકેજ છે. ટોયલેટનું ગંદુ પાણી લીકેજ હોવાથી દુર્ગંધ આવે છે. ભવિષ્યમાં રોગચાળો થવાની પણ સંભાવના છે.
સસ્તાના નામે ગુણવત્તા સાથે ચેડા : સંજયભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે લાભની વસ્તુ છે. પરંતુ અમારા આવાસમાં બાંધકામમાં કેટલીક વિસંગતતા જોવા મળી છે. દીવાલોમાંથી ભેજ અને ખાર આવે છે. અમે દિવાલોના પાણી ગળતરની અનેક ફરિયાદો કરી છે, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ગુડાએ સસ્તા મકાનોના નામે તેની ગુણવત્તા સાથે બાંધછોડ કરવી ન જોઈએ.
અધૂરી સુવિધા-નબળું કામ : પૂજાબેન પટેલે જણાવ્યું કે, ગુડા દ્વારા બનાવવામાં આવેલા આવાસથી અમને અનેક લાભ થયા છે. માત્ર રૂપિયા 6,05,000 માં સારા ઘર મળ્યા છે. પરંતુ બિલ્ડર દ્વારા હજી કેટલીક સુવિધાઓ પૂરી કરવામાં આવી નથી. આવાસ યોજનામાં પાર્કિંગની સમસ્યા છે, CCTV કેમેરા શરૂ થયા નથી, પાણી અને કચરાની પણ અનેક સગવડો આપવાની બાકી છે. સેનિટેશનનું કામ નબળું થયું હોવાથી કેટલાક ઘરોમાં પાણી પૂરતા પ્રમાણમાં આવતું નથી.
વહીવટી તંત્રનો પ્રત્યુતર : GUDA ના કાર્યપાલક ઇજનેર વિપિન શાહે જણાવ્યું કે, અમારી સુધી હજી રહીશોની કોઈ ફરિયાદ આવી નથી. રહીશોની ફરિયાદ આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાયુક્ત મકાન મળે તે માટે GUDA કટિબદ્ધ છે.