સુરત: ઓલપાડ તાલુકાની મંડળીના સંચાલકો દ્વારા ડાંગરના પોષણ ક્ષમ ભાવ તેમજ બોઈલ ચોખામાં એક્ષ્પોર્ટ ડયુટી ઘટાડવા માટે રાજ્યના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓલપાડ તાલુકામાં આ વર્ષે ડાંગરનો મબલખ પાક પાક્યો છે ત્યારે ડાંગરના ભાવ થોડા વધે અને બોઈલ ચોખાની એક્સપોર્ટ ડયુટી ઘટે તો ખેડૂતોને ફાયદો થશે તેવું મડળીનું માનવું છે.
ખેડૂતને મુશ્કેલી થઈ રહી છે: આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. આ જગતનો તાત અનાજના ઓછા ભાવ મળતા હંમેશા મુશ્કેલીમાં જ હોય છે. ઉપરાંત ગ્લોબલ વોર્મિંગની થઇ રહેલી અસરને કારણે ઋતુઓમાં પણ ફેરફાર થતાં જોવા મળે છે જ્યાં કમોસમી વરસાદની માર, વાવાઝોડા અને પુષ્કળ ગરમીની પણ પરિસ્થિતિ સર્જાય છે અને આ જ મુશ્કેલી ખેડૂતને થઈ રહી છે.
રેકોર્ડ બ્રેક 12 લાખ ગુણી ડાંગરની આવક: જો કે આ વર્ષે ડાંગરના ઉત્પાદનમાં ખાસ્સો વધારો થયો છે, સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગરનો પાક લેવામાં આવે છે અને કુદરતની મેહરબાનીથી ચાલુ વર્ષે ડાંગરનો મબલખ પાક પણ ખેડૂતો એ લીધો છે, પરંતુ ડાંગરના પોષણ ક્ષમ ભાવ નહી મળતા હોવાને કારણે ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે. ઓલપાડ તાલુકાની વિવિધ મંડળીઓમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 12 લાખ ગુણી ડાંગરની આવક થઇ છે આ ડાંગરમાંથી મોટા ભાગે પૌંઆ બનાવવામાં આવે છે, અથવા તો તેને બોઈલ કરી બહારના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જોકે, બોઈલ ચોખા એક્સપોર્ટ કરવા પર અત્યારે 20 ટકા જેટલી એક્સપોર્ટ ડયુટી લાગે છે. આથી મંડળીના સંચાલકો દ્વારા રાજ્યના મંત્રી મુકેશ પટેલને એક્સપોર્ટ ડયુટી ઘટાડવા માટે તેમજ ડાંગરના પોષણ ક્ષમ ભાવ મળે એ માટે રજૂઆત કરવામાં આવી છે.
સરકારનું ધ્યાન દોરવાની બાંહેધરી: મુકેશ પટેલ છેલ્લા ત્રણ ટર્મમાં ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય છે અને વર્તમાન સરકારમાં મંત્રી પણ છે. જેમાં તેમણે આશ્વાસન આપ્યું છે કે, મંડળીના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લીધી છે અને આવનારા દિવસોમાં બોઈલ ચોખાની એક્ષ્પોર્ટ ડયુટી બાબતે અને ડાંગરના પોષણ ક્ષમ ભાવ બાબતે રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા બાહેધરી આપી છે.