અમદાવાદ: આજરોજ રેંટિયા બારસ એટલે કે વિદ્યાપીઠના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો હિન્દુ તિથિ પ્રમાણેનો જન્મ દિવસ છે. ત્યારે આ નિમિત્તે તેમના દ્વારા સ્થાપવામાં આવેલા ગૂજરાત વિદ્યાપીઠમાં તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા અલગ-અલગ ટુકડી પ્રમાણે સતત 12 કલાક અખંડ કાંતણ કરશે.
ખાદીનો પહેરવેશ અને કાંતણ શૈક્ષણીક પ્રવૃત્તિનો ભાગ: 1920 માં મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદ ખાતે સાબરમતી નદીના કાંઠે સ્થાપવામાં આવેલ ગૂજરાત વિદ્યાપીઠમાં આજે પણ ખાદી અને રેંટિયાની પરંપરા અકબંધ જોવા મળે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિદ્યાપીઠમાં આજે પણ ખાદીનો પહેરવેશ પહેરવો ફરજિયાત છે અને રોજે રેંટિયા દ્વારા કાંતણ કરવું તથા પ્રાથના કરવી તેમની શૈક્ષણીક પ્રવૃત્તિનો જ ભાગ બની ગયું છે.
રેંટિયો ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગાંધીજી દ્વારા સ્વદેશી અને શ્રમનું પ્રતિક બન્યો હતો.
સવારે 8 થી 9 થયું સમૂહ કાંતણ: તમને જણાવી દઈએ કે, સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા સમૂહ કાંતણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ ટુકડીઓ પ્રમાણે સતત કાંતણ શરૂ રાખીને રેંટિયા બારસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગૂજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ “ખાદીસૂત્ર”નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: