ગાંધીનગર: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ પૂરમાં કરોડો રૂપિયાની જાનમાલની નુકસાન થઈ હતી. વડોદરામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃવશન માટે સરકારે રાહત બચાવ પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય અપાશે. અસરગ્રસ્તોએ તારીખ 31 ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે.
સહાય પેકેજ આપવાની જાહેરાત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી. આજ રોજ યોજાયેલી બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં વડોદરામાં થયેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય પેકેજ આપવાની જાહેરાત કરી હતી.
નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તારીખ 16 ના રોજ મહાત્મા મંદિર ખાતે રીન્યુએબલ એનર્જી મીટમાં હાજર રહેવાના છે. આ મીટ અગાઉ બે વખત થઈ ચૂકી છે. દેશ માટે ખૂબ મહત્વની આ મીટ હવે ગુજરાતના આંગણે યોજાશે. જેમાં જર્મની, ડેન્માર્ક તથા વિવિધ રાષ્ટ્રના ડેલીગેશન જોડાશે. અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી પણ હાજર રહેશે. સોલર, વિન્ડ અને વીંડ પરંપરાગત સૌર ઉત્પાદન માટેની મુહિમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જેમાં આજે ભારત સફળતા મેળવી રહ્યું છે. એ જ દિવસે સેક્ટર 1 ખાતેથી મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો શુભારંભ કરશે અને મેટ્રોમાં સફર પણ કરશે. એ જ દિવસે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 9 હજાર કરોડના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાહત નિધિમાંથી સહાય અપાશે: વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારના નાના, લધુ તેમજ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન કરવા રાજ્ય સરકારે રાહત બચાવ પેકેજ જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી ઉદ્ભવેલ પરિસ્થિતિને પુર્વવત કરવા તેમજ સંપૂર્ણ પરિસ્થિતી ઝડપી સુ-વ્યવસ્થિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડોદરાના લારી-રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5000ની, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20 હજારની, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. 40 હજારની, તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. 85 હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે.
અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી: તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રૂ. 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને રૂ. 20 લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે. જ્યારે રૂ. 5 લાખની મર્યાદામાં માત્ર 7 ટકાના વ્યાજ દરે ત્રણ વર્ષ માટે લોન મળશે. આ સહાય મેળવવા તારીખ 31 ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે સર્વે બાદ એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો