અમદાવાદ: વાયનાડમાં ભૂસ્ખલને વિનાશના કાળજું કંપાવી દેનારા દૃશ્યો સર્જ્યા છે. આવી આફતના સમયે, રાષ્ટ્ર પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતાના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશને, વાયનાડના લોકોને તાકીદની, મધ્યમ-ગાળાની અને લાંબા-ગાળાની મદદ પૂરી પાડવા અનેકવિધ પ્રયાસોની જાહેરાત કરી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાહત કામગીરી: વાયનાડ જિલ્લામાં આ હોનારત બાદ કેમ્પમાં રહેતાં અસરગ્રસ્તોને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો દૂધ અને ફળો સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે તાત્કાલિક રાહત પૂરી પાડી રહી છે. આ સાથે આપદા નિવારવા માટે આગોતરી માહિતી મળે અને તે મુજબ આગોતરી વ્યવસ્થા કરી શકાય તે માટેની પહેલ પણ હાથ ધરાઈ છે.
નીતા અંબાણીએ શોક પ્રકટ કર્યો: કેરળની હોનારત અંગે શોક પ્રગટ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, “અમે વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા ભારે નુકસાન તેમજ લોકોની વેદનાથી વ્યથિત છીએ. આ અત્યંત દુઃખની પળોમાં અમારું હૃદય એવી દરેક અસરગ્રસ્ત વ્યક્તિ અને પરિવારની સાથે છે. ઘટનાસ્થળે અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જિલ્લાના લોકો માટે તાત્કાલિક રાહત, પુનઃવસન અને લાંબાગાળાની જરૂરિયાતોને પૂરી કરવા ખડેપગે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે કેરળના લોકોની પડખે છીએ.”
રિલાયન્સ ફાઉન્ડેશને કોવિડ-19 વખતે કામગીરી કરી: અગાઉ 2018, 2019, 2021ના મહાવિનાશકપૂર અને તેની સાથે કોવિડ-19 મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને કેરળ રાજ્ય માટે રાહત કામગીરી હાથ ધરી હતી અને તે પછીની સહાય પણ પૂરી પાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન વાયનાડ અને દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સહયોગી અને સમુદાય આધારિત પ્રયાસોને મજબૂત બનાવશે.
રિલાયન્સ ફાઉન્ડેશને વાયનાડ માટે હાથ ધરેલી વિવિધ પહેલોઃ
- આહાર અને પોષણ- જેમાં ફળો અને દૂધ, સૂકું રાશન, રસોડાનાં વાસણો અને પરિવારોને રસોડું ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે સ્ટવ જેવી જરૂરી ચીજો ઉપરાંત રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર પૂરો પાડવો.
- વોટર, સેનિટેશન અને હાઇજીન (WASH)- જેમાં ટોયલેટ્રીઝની જોગવાઈ, સ્વચ્છતાની જરૂરિયાતો અને સ્વાસ્થ્ય માટેની મૂળભૂત દૈનિક જરૂરિયાતો સામેલ છે.
- આશ્રયસ્થાનો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ - જેમાં અસરગ્રસ્તો માટે હંગામી આશ્રયસ્થાનો, પથારી, સૌલાર ફાનસ અને મશાલ, કપડાં તથા સફાઈ સામગ્રી સહિતની જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડવી.
- ટકાઉ આજીવિકાની પુનઃપ્રાપ્તિ - બિયારણ, ઘાસચારો, કૃષિસાધનો અને આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવવા અને વાયનાડની ઇકોસિસ્ટમને અનુરૂપ કૃષિ પર ધ્યાન આપવા માટે વ્યાવસાયિક તાલીમ.
- શૈક્ષણિક મદદ - અસરગ્રસ્ત બાળકો માટે શિક્ષણનું સાતત્ય સુનિશ્ચિત કરવા પુસ્તકો અને રમત ગમતની સામગ્રી સહિતની શિક્ષણ સહાય.
- વિશ્વસનીય કનેક્ટિવિટી - રિલાયન્સ જિયોએ ડેડિકેટેડ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને જિયો ભારત ફોન પૂરા પાડ્યા છે. અસરગ્રસ્તો, બચાવ અને રાહત કાર્યકરો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સભ્યોના કામને સુવ્યવસ્થિત કરવા અને તેમજ પુનર્વસન માટે સંદેશાવ્યવહાર વધાર્યો છે.
- સાયકો-સોશિયલ સપોર્ટ અને કમ્યુનિટી હીલિંગ - જેમાં આઘાત પામેલી વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરી સાજા થવામાં મદદ પૂરી પાડવી. બાળકો અને યુવાનોને ખાસ મદદ માટે વિશેષ પ્રયાસો.
રિલાયન્સ ફાઉન્ડેશને કર્મચારીઓ તૈનાત કર્યા: રિલાયન્સ ફાઉન્ડેશને રાહતકાર્ય માટે પહેલાથી જ ઝડપથી કર્મચારીઓને મેદાનમાં તૈનાત કરી દીધા છે અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહી છે. દરેક પગલાંને રાજ્ય અને ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીઓ સાથે સંકલન સાધીને અમલમાં મુકાઈ રહ્યા છે જેથી પડકારજનક સમયમાં લોકો સુધી રાહતકાર્ય અસરકારક રીતે વેળાસર પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય. રિલાયન્સ ફાઉન્ડેશન ભવિષ્ય માટે એક વ્યવહારુ અને સમૃદ્ધ સમુદાયને સક્ષમ કરવા લાંબાગાળે વાયનાડના લોકોને મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.