ખેડા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા માટે આરઓ પ્લાન્ટ અને વોટર કૂલર ફાળવાયેલા છે.જે નિમ્ન ગુણવત્તાના અને બિન ઉપયોગી હોવાની રજૂઆત કરી GEM પોર્ટલ દ્વારા તેની ખરીદીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.જેમાં શાળાઓમાં આરઓ સિસ્ટમને લઈ કેટલીક હકીકતો જાણવા મળી હતી
શાળાઓમાં જાત તપાસ : પ્રાથમિક શાળાઓમાં આરઓ સિસ્ટમની તપાસ માટે અમે શાળાઓમાં ગયાં હતાં. હાલ વેકેશન ચાલતું હોઈ તમામ શાળાઓ બંધ છે. મહુધા તાલુકાના કડી પ્રાથમિક શાળામાં તપાસ કરતાં ત્યાં આરઓ સિસ્ટમ ફાળવાયા બાદ કેટલાક કારણોને લઈ તે બંધ હાલતમાં હતી.જે બાદ કડી ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભેગા મળી હાલ આ સિસ્ટમ ચાલુ કરી છે.તેમ સરપંચ દ્વારા જણાવાયુ હતું. જ્યારે તાલુકાના ચુણેલ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સિસ્ટમ ફાળવાઈ છે પરંતુ તે હજી સુધી ચાલુ કરવામાં આવી નથી તેમ શાળાના આચાર્યએ જણાવ્યુ હતું.ત્યારે ગેરરિતિ હોય કે ન હોય પરંતુ કોઈ ને કોઈ કારણોસર તાલુકાની કેટલીક શાળાઓમાં હજી આરઓ સિસ્ટમથી પીવાનું ચોખ્ખું પાણી બાળકોને મળી રહ્યું નથી તે હકીકત છે. ધારાસભ્ય સંજયસિંહ મહીડાનો સંપર્ક કરતા તેમના દ્વારા આ બાબતે વધુ કોઈ વિગતો આપવામાં આવી નહોતી.
તાલુકા વિકાસ અધિકારીનો ખુલાસો શું છે : આ બાબતે પૂછતાં તાલુકા વિકાસ અધિકારી જ્યોતિ દેસાઈ દ્વારા જણાવાયુ હતું કે જે આક્ષેપ છે એ બાબતે કહેવાનું કે જે આરઓ છે એ GEM ની ખરીદ નીતિ પ્રક્રિયા જે સરકારની છે એની અંદર ખરીદવામાં આવ્યા છે.એ ખરીદ નીતિમાં એવું છે કે પહેલા તાલુકા લેવલની ટીએલપીસી કમિટીમાં તેની મંજૂરી લેવાની હોય છે એ મંજૂરી મેળવ્યા બાદ જીલ્લા કક્ષાની ડીએલપીસી કમિટીમાં જ્યારે એની મંજૂરી મળે છે ત્યારબાદ અમે એની ખરીદી કરી શકીએ છીએ. ડીએલપીસી કમિટીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક ક્લાસ વન અધિકારી હોય છે જિલ્લા વિકાસ અધિકારી પણ હોય છે.ડેપ્યુટી ડીડીઓ પણ હોય છે.આ બધાની અધ્યક્ષતામાં ડીએલપીસી કમિટીમાં એજન્સી નિયમોનુસાર સરકારની નીતિ છે કે જે એજન્સી સૌથી ઓછા ભાવ ભરે એ એજન્સીને વર્ક ઓર્ડર આપતા હોય છે.
ડીએલપીસી કમિટીમાંથી નક્કી થયા પછી જિલ્લા કક્ષાએથી નોંધ આવે છે કે આ એજન્સીને વર્ક ઓર્ડર આપવાનુ નક્કી કર્યુ છે.ત્યાર બાદ એને વર્ક ઓર્ડર આપીએ છીએ.જે મુજબ માલસામાન ઉતરે ત્યારે તેને ચેક કરીને જે તે ગ્રામ પંચાયત કે સ્કૂલ દ્વારા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. જે પ્રમાણપત્રના આધારે અમારા દ્વારા ચુકવણી કરવામાં આવે છે. વધુમાં આક્ષેપ બાબતે તેમણે જણાવ્યુ હતું કે આક્ષેપો પુરવાર થશે ત્યારે જ તેની સત્યતા બહાર આવશે. આરઓની ખરીદીમાં એક વર્ષનો સમય થઈ ગયો છે પરંતુ અમને આરઓની એવી કોઈપણ લેખિત ફરિયાદ મારી પાસે આવેલી નથી.જો ફરિયાદ મળશે તો તેને લગતી કાર્યવાહી માટે અમે તૈયાર છીએ...જ્યોતિ દેસાઈ ( તાલુકા વિકાસ અધિકારી )
અધિકારીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ : સમગ્ર મામલે ગેરરિતિ થઈ છે કે કેમ તેની સત્યતા તો તપાસ બાદ જ બહાર આવશે. બીજી તરફ સ્થાનિક અધિકારીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ બધા વચ્ચે આરઓ સિસ્ટમ ફાળવવામાં આવી હોવા છતાં કેટલીક શાળાઓમાં બાળકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યુ નથી ત્યારે હજી ક્યારે મળે છે તે જોવું રહ્યુ.