વલસાડ: સરકારની 'નલ સે જલ' યોજનાનું રિયાલિટી ચેક કરવા ETV ભારતની ટીમ વલસાડ જિલ્લાના ધરમપુરના પિંડવળ ગામે પહોંચી હતી. જ્યાં કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી. જ્યાં નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ નળમાં પાણી નથી આવતું. ત્યારે આ અંગે ETV ભારતની ટીમ દ્વારા તપાસ કરતાં જાણ થઈ કે પિંડવળ ગામે આવેલ ત્રણ ફળિયામાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીમાં પાણી પણ આવે છે પરંતુ નળમાં પાણી આવતું નથી. ગામના પટેલ ફળિયામાં 35 ઘરો છે, બરડી ફળીયા માં 20 ઘરો છે અને ભોકળી ફળિયામાં 15 ઘરો આવેલા છે જ્યાં સ્ટેન્ડ પોસ્ટ બનાવ્યા છે પરંતુ પાણીના ઠેકાણા નથી. જેના કારણે ફળિયાની મહિલાઓ આજે પણ નળ મુકવા છતાં કુવા ઉપર પાણી લેવા જવું પડે છે.
અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના પૂર્ણતાને આરે છે. કપરાડાના 124 ગામો અને ધરમપુરના 50 ગામો 1.5 લાખ લોકોને પાણીનો લાભ મળે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 1200 નાની ટાંકીઓ વિવિધ ગામોમાં પાણી વિતરણ માટે ફળિયામાં બનાવવામાં આવી છે જેમાં અનેક સ્થળે પાણી પહોંચી ગયું છે. પરંતુ કપરાડા અને ધરમપુર તાલુકામાં અસ્ટોલ જૂથ પાણી યોજના પૂર્ણ થયા બાદ નલ સે જલ યોજના અંતર્ગત ઘર આંગણે આપવામાં આવેલા નળમાં પાણીનું ટીપું પણ આવતું નથી.
નળ સુધી પાણી કેમ નથી પહોંચતું ?
ETV ભારતને જાણવા મળ્યું કે નલ સે જલ યોજના અંતર્ગત વાસમોને ટાંકીથી વિવિધ ફળિયામાં પાઇપ લાઈન નાખી ગામના વિવિધ ફળિયામાં પાણી વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના 101 ગામોમાં પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું વાસ્મો દ્વારા જણાવવામાં આવ્યું છે, જોકે પાણી વિતરણ વ્યવસ્થા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મુકવામાં આવેલ ઓપરેટરને વેતન ન ચૂકવતા અનેક ઓપરેટરો કામ નથી કરી રહ્યા જેને કારણે વિતરણ વ્યવસ્થા ખોટકાઈ પડી છે. જેના કારણે પાણી ટાંકીમાં પહોંચે છે પણ નળમાં પહોંચતું નથી. 1200 જેટલી ટાંકીમાં પાણી પહોંચ્યું પણ નળમાં પહોંચ્યું નથી. ત્યારે વાસ્મોને આપવામાં આવેલી ડિસ્ટ્રીબ્યુસનની કામગીરી સો ટકા થઈ ગઈ હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
"વાસ્મો દ્વારા ટાંકીથી નળ સુધીની પાઇપ લાઈનો નાખીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયત પાણી સમિતિએ નક્કી કરેલા ગામના યુવકને તમામ કામગીરી માટે ઓપરેટર તરીકે મુકવામાં આવ્યા છે. જેમને હવે દર માસે ગ્રામ પંચાયતે પાણી વિતરણ માટે વેતન ચૂકવવાનું રહે છે. પરંતુ કેટલીક ગ્રામ પંચાયત દ્વારા ઓપરેટરોને વેતન નહીં ચુકવવામાં આવતા ઓપરેટરોએ પાણી વિતરણ કરવાનું કામ માંડી વાળ્યું છે અને જેના સંકલનના આભાવે કેટલાક ગામોમાં પાણી મળતું નથી. - સંજયભાઈ ભોયા (સોશિયલ મોબિલાઈઝર વાસ્મો, ધરમપુર)
ઓપરેટરો કામ કેમ નથી કરી રહ્યા ?
વાસ્મો દ્વારા પાઇપ લાઈન નાખી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પાણી વિતરણની વ્યવસ્થા ગ્રામ પંચાયત હસ્તક મુકવામાં આવેલા ઓપરેટરને આપવામાં આવી છે. સરકારી જી આર મુજબ ગ્રામ પંચાયતે દર માસે ઓપરેટર અને અન્ય ખર્ચ મળી 10 હજાર ખર્ચ કરવાનો રહેશે તેવી જીઆરમાં નોંધ છે. પરંતુ ધરમપુર તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતમાં ઓપરેટર મુક્યા બાદ 6થી 7 માસ સુધી વેતન ચુકવણી નથી કરી. જેના કારણે ઓપરેટરો કામ કરતા ન હોય પાણી વિતરણ વ્યવસ્થા ખોટવાઈ છે. ત્રણ ફળિયાની મહિલાઓ આજે પણ કુવા ઉપરથી પાણી ભરે છે.
"પાણી નળમાં આવતું જ નથી. ટાંકીમાં આવે છે. યોજના ચાલુ થઈ ત્યારે એક દિવસ પાણી આવ્યું તે બાદ કોણ ઓપરેટર છે અને એ ક્યારેય પાણી આપવા માટે આવ્યા જ નથી. ત્યારે ફળિયાની મહિલાઓને 1 કિલોમીટર ચાલીને કુવા સુધી પાણી લેવા જવાની ફરજ પડે છે. ચૂંટણી પહેલા જો પાણી નહિ મળે તો ફળિયાની મહિલાઓ મતદાન નહિ કરે. " - જાદવ હેતલબેન પટેલ, સ્થાનિક
આમ સરકારે લોકોને પાણી મળે એ માટે યોજના તો અમલમાં મૂકી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ઓપરેટર મૂકીને પાણી વિતરણ વ્યવસ્થા ગ્રામ સમિતિ અને ગ્રામ પંચાયતને આપ્યા બાદ વેતન નહીં ચૂકવાતું હોય ત્યારે કેટલાક ઓપરેટરો કામ છોડી જતા અનેક ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. જેના કારણે પાણી કેટલાક ગામોના ફળિયામાં પહોંચતું નથી. ગ્રામ પંચાયત 4 મહિના ઉપરાંત થવા છતાં વેતન ઓપરેટરને ચૂકવી નથી શક્યા ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.