કચ્છ: નવરાત્રિના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સામાન્ય રીતે નવરાત્રિના તહેવારમાં ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા ધારણ કરીને ગરબે રમવું ગરબા રસિકોને વધારે પસંદ છે. છેલ્લાં 3-4 વર્ષોમાં ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે ભુજમાં અમદાવાદ, સુરત, ધાંગધ્રા 15થી 20 જેટલા વેપારીઓ વિવિધ વેરાયટીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર કરવા ભુજ આવ્યા છે.
નવરાત્રિને લઈને ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર શરૂ: નવરાત્રિને વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ કહેવાય છે. આસો સુદ એકમથી શરૂ થતાં નવલી નવ રાત્રિના ઉત્સવમાં બાળકોથી લઇને મોટી વયના લોકો ગરબા રમવાની સાથે સાથે માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. ગરબામાં જેમ જેમ અવનવા સ્ટેપ્સ સાથે દાંડિયા રાસ રમવાનો ક્રેઝ ગરબા રસિયા સાથે વધ્યો છે. તેની સાથે તેમના ડ્રેસિંગ સેન્સમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ દર વર્ષે નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમતા થયા છે. જેમાં ખાસ કરીને અવનવી વેરાયટીઓવાળી ચણિયાચોળી, સલવાર કુર્તા અને કેડિયાના પહેરવેશમાં અવનવા આકર્ષણો અને કલા કારીગરીની વિવિધતા પણ જોવા મળે છે.
ખેલૈયાઓ ભાતીગળ ફેશન તરફ વળ્યા: આગામી 3 ઓકટોબરથી નવરાત્રીનો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ખેલૈયાઓ અત્યારથી જ ગરબા ક્લાસમાં જવાનું શરૂ કરી દીધું છે. સાથે સાથે બીજી તરફ ભૂજના કોમર્સ કોલેજ રોડ પર ચણિયા-ચોળી તેમજ નવરાત્રિને લગતા ડ્રેસનો અમદાવાદ, સુરત, ધાંગધ્રા વિસ્તારના વેપારીઓએ વેપાર શરૂ કર્યો છે. છેલ્લાં 3-4 વર્ષોથી ગરબા શોખીનો પણ ભાતીગળ ફેશન તરફ વળ્યા છે. ભાતીગળ વસ્ત્રો સાથે જોડાયેલાં લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે પણ લોકો ખરીદી કરી રહ્યા છે પરંતુ આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન હોવાની અટકળો હોતા હાલમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે.પરંતુ આવનારા દિવસોમાં વધુ વેંચાણ થાય તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.
ચણિયાચોળીની અવનવી વેરાયટીઓ: નવરાત્રિના સમયમાં કચ્છીભરતની ચણીયાચોળીની માંગ અન્ય ટ્રેડિશનલ ડ્રેસની સરખામણીએ વધુ રહે છે. ઉપરાંત નવરાત્રિની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારથી ભાતીગળ વસ્ત્રો, આભલા ભરેલી કોટી, પ્લાઝો, એમ્બ્રોડરીવાળા ટોપ અને લોંગ ગાઉન તેમજ 3 પીસ, 4 પીસ , 5 પીસ તેમજ 2થી 4 લેયર વાળા ઘાઘરા, ચિકનકારી વર્ક જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે.
700 રૂપિયાથી લઈને 3500 રૂપિયા ચણિયાચોળી: છેલ્લાં 15 વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા વેપારી કિશન પરમારે જણાવ્યું હતું કે, દર વર્ષે ધાંગધ્રાથી અહીં વેપાર કરવા આવવાનું થતું હોય છે. ખાસ કરીને આ તમામ વેરાયટીઓ હાલમાં વરસાદની અટકળો બચે થોડીક ઘરાકી ઓછી છે પણ આશા છે કે ગ્રાહકો આવશે.હાલમાં 700 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધીની નવી નવી વેરાયટી લઈ આવ્યા છીએ. નાની છોકરીઓ માટે 700 થી 1500 રૂપિયાની તો મોટા ખેલૈયાઓ માટે પણ 1500 થી 3000 સુધીની વેરાયટીઓ લઈ આવવામાં આવી છે.
નવરાત્રિ પહેલા ઘરાકી ઓછી: છેલ્લાં 10 વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા સંગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે નવી નવી વેરાયટીઓ લઈને આવ્યા છે. સૌથી વધારે માંગ ટ્રેડિશનલ ડ્રેસની રહેતી હોય છે. સુરતથી નવરાત્રિ સમયે ભુજના ટાઉનહોલ વિસ્તારમાં વેપાર કરવા આવી છીએ. વિવિધ વેરાયટીઓમાં નાના બાળકો માટેના કેડિયા, બંગડી, ડબલ ગેર વાળી ચણીયા ચોલી, સનેડો, મીરર વર્કવાળી તેમજ હાથવણાટ વાળી પણ વેરાયટીઓ આ વખતે લાવવામાં આવી છે. ઘરાકી હમણાં થોડી ઓછી છે પણ ગ્રાહકોને વ્યાજબી ભાવે વેંચાણ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: