પોરબંદર: શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 કલાકથી આ રથયાત્રા રામદેવજી મંદિર પંચાયત મઢી થી નીકળી શહેરના મુખ્ય માર્ગે નીકળી હતી. જેમાં વિવિધ ફલોટ રાખવામાં આવ્યા હતા.સમુદ્ર જીવ બચાવો ,કોસ્ટ ગાર્ડ શિપનું મોડલ તથા બાળકો દ્વારા સ્કેટિંગ રેલી અને વિવિધ કરતબો કરતબ અને ડાન્સ રજૂ કરાયા હતા .આ ઉપરાંત ખારવા સમાજ ના વાણોટનું સ્વાગત અને અભિવાદન લોકોએ કર્યું હતું. તો ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા અને કોંગ્રેસ તથા ભાજપ ના આગેવાનો તથા અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા.
ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત: ખારવા સમાજના આગેવાન પવન શિયાળે જણાવ્યું હતું કે, "છેલ્લા 210 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે, દર વર્ષે અષાઢી બીજના દિવસે ખારવા સમાજ દ્વારા શ્રી રામદેવજી મહાપ્રભુજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને આગેવાનો ઉમટી પડે છે,અને ભક્તો દ્વારા રામદેવજી મહાપ્રભુજીને દર્શન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા જ્યારે નીકળે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર અને માતાજીની ચુંદડી અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ રથયાત્રા ખારવા વાળમાં આવેલ રામદેવજી મહાપ્રભુજીના મંદિરેથી થઈ શહેરભરમાં નીકળે છે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ખારવા સમાજના વાણોટને અભિનંદન આપવામાં આવે છે.