સુરત: ઉધના પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રણજીત મોરી વિરૂદ્ધ બેન્કમાં નોકરી કરતી યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. આ પોલીસ કર્મચારી છેલ્લા ચાર વર્ષથી પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હોવાનું અને ગત જૂન મહિનામાં બળજબરીથી ઘરમાં ઘૂસી આવી ચપ્પુની અણીએ બળાત્કાર કર્યાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો.
ચપ્પુની અણીએ ડરાવી દુષ્કર્મ કર્યું: પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડીંડોલી વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી જે બેન્કમાં નોકરી કરતી હતી. તે બેન્કમાં આ કોન્સ્ટેબલનું એકાઉન્ટ હોવાથી સંપર્કમાં આવી હતી. આ કોન્સ્ટેબલ પરિણીત હોવા છતાં તેને પ્રેમ કરતો હોવાનું જણાવી કાર અને ઓટો રિક્ષાથી તેની બેન્ક બહારથી ઘર સુધી પીછો કરતો હતો. ગત 21મી જૂને તે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ચપ્પુની અણીએ ડરાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇ પોલીસ મથકમાં અરજી કરી હતી. ડીંડોલી પોલીસે આ પ્રકરણમાં હાલ યુવતીની ફરિયાદને આધારે ઉધના પોલીસ મથકમાં નોકરી કરતાં રણજીતસિંહ મોરી વિરૂદ્ધ ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી હતી.
કોન્સ્ટેબલે આપઘાતની કોશિશ કરી: દોઢ વર્ષ પૂર્વે આ કોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી. જે બાદ તેને એપલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે વખતે પણ પ્રેમ પ્રકરણમાં આપઘાતની કોશિશ કરી હોવાની ચર્ચાઓ જાગી હતી. પોતાની જોડે સંબંધ રાખવા દબાણ લાવવા આ કોન્સ્ટેબલે આપઘાતની કોશિશ કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કર્યો હતો. તે વખતે આ કોન્સ્ટેબલના સાળા જે કોન્સ્ટેબલ છે તેણે ફોન કરી જીજાજી કહે તેમ કરવા ધમકાવી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો.
રિક્ષા મારફત એક્સિડેન્ટ કરાવ્યાનો આક્ષેપ: યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેને ડીંડોલી બ્રિજ પર એક રિક્ષાએ ટક્કર મારી ઘાયલ કરી હતી. આ એક્સિડેન્ટ કોન્સ્ટેબલના ઇશારે થયું હોવાનું અને કોન્સ્ટેબલે ફોન કરી ટ્રકથી અકસ્માત કરાવવાની તથા એપ્રિલ મહિનામાં ઉધના પોલીસ મથકની બહાર આંતરી હંગામો કર્યો હતો. તે વખતે પોતાની સાથે કારમાં એસિડ રાખતો હોવાનું અને ચહેરા ઉપર એસિડ નાંખવાની પણ ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો